પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
સાધ્વી સૈયદા નફસિયા

શ્રેષ્ઠ સાધ્વીએ સ્વર્ગવાસ કર્યો. તેમના સ્વામીની ઇચ્છા હતી કે, એમના પવિત્ર દેહને મદિના લઇ જઇને દફનાવવા; પરંતુ મિસરવાસીઓએ જણાવ્યું કે ‘‘મહાત્મન્ ! આપ એવું કરશો તો અમે ખુદાની મહેરબાનીથી બેનસીબ રહીશું.” એ લોકોની ઈચ્છાને માન આપીને તેમના શબને દીરાબુસસારા નામના સ્થાનમાં દફનાવવામાં આવ્યું.

મિસરનાં ઘણાં પ્રતિષ્ઠિત અને પવિત્ર કુટુંબો એમ માને છે કે, સૈયદાની સમાધિ પાસે પિતાની કબર હોય તો એથી પોતાના આત્માને અભય અને પરિત્રાણ મળે. ઘણા ખલીફાઓ અને અમીરોના દેહ હજરત સૈયદા નફસિયાની પડખે દફનાવવામાં આવ્યા છે. સંસારત્યાગી સાધુઓ અને સાધકો સદા તેમની કબ્રની યાત્રાએ આવે છે.

હિ. સ. ૬ર૫ માં ખલિફા મલેક અશરફે તેમની સમાધિ આગળ એક મોટો મહેલ બંધાવીને તેમાં મફત નિશાળની સ્થાપના કરી છે, તથા તેના નિર્વાહ સારૂ મોટી જાગીરનું દાન કર્યું છે.

ઈ. સ. ૭૩પ માં મલેક નાસિરે એ સમાધિને સમરાવીને એમાં ઘણા સુધારાવધારા કરાવ્યા છે.

ઇ. સ. ૭૭૩ માં સાયેફુદ્દીન કાઇતાબ મિસરની રાજ્યગાદી ઉપર બેઠો અને તેણે સાધ્વી સૈયદાની જયંતી ઉજવવાનું શરૂ કર્યું. એના જન્મદિવસે દર વર્ષે એક મોટો મેળો ભરાય છે અને ઘણા મુસલમાનો દૂર દેશાવરથી આવીને એમાં ભાગ લે છે. ખલીફા તરફથી બધા જાત્રાળુઓને જમાડવામાં આવે છે.

દરેક દેશમાં સાધુઓના ચરિત્રની સાથે અનેક ચમત્કારોની દંતકથાઓ પણ પ્રચાર પામે છે; અને પવિત્રાત્માઓ મરી ગયા પછી પણ અલૌકિક શક્તિ ધરાવે છે એવી માન્યતા દરેક દેશમાં છે. સૈયદા નફસિયાની બાબતમાં પણ એવી ઘણી કથાઓ મુસ્લિમ સમાજમાં પ્રચલિત છે. સ્થળસંકોચને લીધે અમે એ કથાઓનો ઉલ્લેખ કરતા નથી. સૈયદાની મહત્તા દર્શાવવા ઉપરનો સ્વલ્પ પરિચયજ પૂરતો છે.x[૧]



  1. x ‘કોહિનૂર’ નામના બંગાળી માસિક ઉપરથી.