પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
મહાન સાધ્વીઓ

સેવાકાર્યમાંજ સુખ માણતાં. એ ફરવા નીકળતાં ત્યારે સડકની બન્ને તરફ ગરીબ લોકોની ભીડ જામતી. અંગરક્ષકો બહુ પ્રયત્ન કર્યા છતાં પણ એમને ખસેડી શકતા નહિ. રાણી લુઈસાને તો એ ભીડ જોઈને બહુ આનંદ થતો અને એ ગરીબોને ધન, ભૂખ્યાને અન્ન અને બાળઓને રમકડાં આપી ખુશ કરતાં. રસ્તામાં એકઠા થયેલા લોકો એ અપૂર્વ દૃશ્ય જોઈને આનંદપૂર્વક જયધ્વનિ કરતા કે “અમારી દયાળુ મહારાણી ઘણુ જીવો.”

સુખ પછી દુઃખ એ વિધાતાનો નિયમ છે. રાણી લુઇસાનું સુખી જીવન ઘણા દિવસ ટક્યું નહિ. મહાન નેપોલિયન સામે પ્રશિયા અને ઑસ્ટ્રિયા એકસંપીથી મળી ગયા હોત તો નેપોલિયન ફાવત નહિ; પરંતુ પ્રશિયા ઓસ્ટ્રિયાથી અલગ રહ્યું. થોડા સમય પછી નેપોલિયને પ્રશિયાની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. રાજાને બીજાઓની મદદની આશા નહોતી, પણ રાણી લુઈસામાં વીરતા અને મુત્સદ્દીપણાના ગુણ હતા. એણે નિરાશ થયેલા સૈનિકોને બોલાવીને વીરતાપૂર્ણ ભાષણ આપ્યું; પેાતાના દેશમાં થઈ ગયેલા પૂર્વકાળના મહાન યોદ્ધાઓની વીરતા અને સ્વતંત્રતાનું સ્મરણ કરાવી યુદ્ધ કરવાનો ઉત્સાહ આપ્યો.

ઇ. સ. ૧૮૦પ ના નવેમ્બરમાં પોસ્ટડેમ ગામના નાનકડા દેવળમાં રાજા, રાણી અને રૂશિયાનો બાદશાહ અલેકઝાન્ડર મળ્યા અને સ્વર્ગવાસી મહાન રાજા ફ્રેડરિકની સમાધિ આગળ પ્રતિજ્ઞા લીધી કે, અમે સ્વદેશને શત્રુઓથી બચાવીશું. એ પ્રતિજ્ઞાનુંપાલન કરવા એજ ક્ષણથી એમણે પ્રયત્ન કર્યો, અત્યંત દુઃખ સહન કર્યા. પ્રતિજ્ઞા પૂર્ણ થતાં ઘણો સમય લાગ્યો; પણ વિજયનો એ શુભ દિવસ જોવા રાણી લુઈસા આ સંસારમાં રહ્યાં નહોતાં.

૧૮૦૬ માં નેપોલિયન સાથે લુઇસાના પતિને યુદ્ધ થયું. એ યુદ્ધ સમયે રાણી લુઈસા મહેલમાં બેસી રહ્યાં નહોતાં, એમણે પ્રભાવશાળી વ્યાખ્યાનોથી લોકોને દેશનું રક્ષણ કરવાને પ્રેર્યા; એટલુંજ નહિ પણ જાતે સૈનિક બન્યાં, એક ટુકડીના ‘કર્નલ’તરીકે પોતાનું નામ નોંધાવ્યું અને યુદ્ધભૂમિમાં રણચંડીની પેઠે સજ્જ થઈને ગયાં. પરંતુ રાણીમાં જેટલી વીરતા અને આત્મવિશ્વાસ હતાં તેટલાજ પ્રમાણમાં રાજામાં પોતાની શક્તિઓ માટે અવિશ્વાસ હતો. આંતરકલહને લીધે પાડોશીઓ અને બાંધવો તેને મદદ આપવા તૈયાર નહોતા. રાજનીતિના ગુંચવાડા અને દાવપેચ એને