પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
સાધ્વી લુઇસા

દુઃખ એમનાથી જોવાતું નહિ. એમને રાતદિવસ ચિંતાગ્રસ્ત જોવાથી, પોતાના વહાલા સ્વદેશને દરરોજ પરતંત્રતા અને અ૫માનની દુર્દશામાં ફસાતો જોવાથી એમનું હૃદય પણ શોકગ્રસ્ત થયું. એમની તબિયત લથડવા માંડી અને એમનો અંતકાળ નજીક આવવા લાગ્યો. મૃત્યુના થોડા દિવસ પૂર્વે એમના ફેફસામાં વ્યાધિ થયો. એની વેદનાથી કાયર થઈને એ પ્રાર્થના કરતાં કે “હે ભગવાન ! મારો પરિત્યાગ કરશો નહિ. ?”

આખરે જ્યારે જાણ્યું કે, મૃત્યુને ઝાઝો વિલંબ નથી ત્યારે સ્વામીના હાથમાં પોતાના બંને હાથ મૂકીને કહ્યું “મારા સ્વામી ! વિદાય, હવે વિદાય આપો. સાંભળો, મારા પિતા પરમેશ્વર મને બોલાવે છે.” એટલું કહીને એ ધર્મશીલા અને કર્તવ્યપ્રેમી દયાળુ સાધ્વીએ આ સંસારનો ત્યાગ કર્યો. ઈ. સ. ૧૮૧૦ ની ૨૩ મી ડિસેમ્બરે તેમના દેહને દફનાવવામાં આવ્યો.

રાણી લુઇસા આ સંસારમાંથી ચાલ્યાં ગયાં, પરંતુ એમની પુણ્યકથા લોકોના હૃદયમાં અંકિત થઈ ગઈ. હજુ પણ કરુણામયી રાણીની દયાની વાત સંભારીને પ્રશિયાની સ્ત્રીઓ તેમનાપ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરે છે, અને તેમના દૃષ્ટાંતનું અનુસરણ કરીને પોતાના જીવનને ઉન્નત બનાવવા પ્રયત્ન કરે છે.

લુઇસાએ પોતાના દેશવાસીઓને જાગ્રત કરવા જે પ્રયત્નો કર્યા હતા તે નિષ્ફળ ગયા નહિ. એમના મૃત્યુ પછી ત્રણ વર્ષે તે પ્રમાદની નિદ્રામાંથી જાગ્રત થયા અને સ્વતંત્રતાનું યુદ્ધ ફરીથી આરંભીને વિજયી થયા.