પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
સાધ્વી એનિટા

ગેરિબાલ્ડીએ એનિટાને વિનતિ કરી કે “તમે કેબિનની અંદર ચાલ્યાં જાઓ.” એના ઉત્તરમાં એનિટાએ કહ્યું કે “જાઉં છું, પણ બીકણ અને હીચકારા પુરુષોને કેબિનની બહાર કાઢવા સારૂ જાઉં છું', મારી જાતના બચાવ માટે નહિ.” એનિટાએ કહ્યું હતું તેજ કરી બતાવ્યું. કેબિનમાં બે ડરપોક સૈનિકો બીકના માર્યા સંતાઈ ગયા હતા, તેમને ધમકાવીને તથા ઉશ્કેરીને એનિટાએ યુદ્ધ કરવાને બહાર ધકેલ્યા. શત્રુસૈન્યમાં અવિરામ ભીષણ અગ્નિવર્ષા થઈ રહી હતી. અને વહાણ એટલાં પાસે આવી ગયાં કે, બન્ને પક્ષના યોદ્ધાઓ તલવારવડે એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા. ડેક ઉપર મડદાંનો ઢગલો થઇ ગયેા. રૂંવાડાં ઉભાં કરે એવું એ દૃશ્ય જોઈને એનિટા જરા પણ ગભરાઈ નહિ. તે તો યોદ્ધા પાસેથી બંદૂક લઈને એમાં દારૂ ભરવા લાગી અને એ અગ્નિકુંડની વચમાં ઉભી રહીને અસ્ખલિતરૂપે તેમને ઉત્તેજિત કરવા લાગી. પાંચ કલાક લડ્યા પછી ગેરિબાલ્ડીના લશ્કરે શત્રુઓના વહાન ઉપર વિજય મેળવ્યો. શત્રુઓ પાસે ગેરિબાલ્ડીના કરતાં ઘણાં વધારે હથિયાર હતાં, છતાં પણ તેના અસાધારણ રણચાતુર્ય તથા તેમની પત્ની એનિટાની અલૌકિક ઉત્તેજનાને લીધે વિજયલક્ષ્મી એમનાજ હાથમાં આવી. વિજય મેળવવામાં વધારે હાથ એનિટાનો હતો કે ગેરબાલ્ડીનો એ કહેવું ઘણું અઘરું છે. ગેરિબાલ્ડી અને તેમના સૈનિકો લડ્યા તો ખરા, પણ તેમને ઉશ્કેરવા, તેમની હિંમત વધારવી અને બીકણ સૈનિકોને પણ યુદ્ધને માટે બહાર લાવવા એ એક સ્ત્રીરત્નનું જ કામ હતું.

ઈશ્વરે એનિટામાં અલૌકિક મધુરતા અને સુંદરતાની સાથે અસાધારણ વીરતા અને સાહસ પણ ભર્યાં હતાં. ગેરિબાલ્ડીની સાથે એનું લગ્ન ન થયું હોત, તો એના એ સદ્‌ગુણો ખીલ્યા વગરનાજ રહ્યા હોત. આ વિજય મળ્યા પછી સેઈન્ટ કેથેરિન પ્રદેશમાં આવેલા હમારુ નામના સરોવર ઉપર એનિટાને પોતાના અદ્‌ભુત વીરત્વનો પરિચય આપવાનો બીજો પ્રસંગ મળ્યો. આ સરોવર રાઓગ્રેન્ડીથી બહુ દૂર નથી. ત્યાંજ શત્રુઓના કાફલા સાથે એમને લડવાનો પ્રસંગ આવ્યો. શિલાવૃષ્ટિની પેઠે ગોળીઓ વરસવા લાગી. એનિટા આગળ આવીને પોતાના સ્વામીને પડખે ઉભી રહીને લડવા લાગી. એ દ્રશ્ય જોતાંવાર એવું જણાતું હતું કે, સાક્ષાત્ રણચંડી લડાઇના મેદાનમાં ઉતરીને યુદ્ધ કરી રહી છે.