પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
મહાન સાધ્વીઓ

શત્રુઓની સેના લાગલાગટ ગોળીઓનો વરસાદ વરસાવી રહી હતી. એની સામે ટક્કર ઝીલવી એ ગેરિબાલ્ડી અને તેમની વીર પત્નીનું જ કામ હતું. એમના વહાણ ઉપર બીજા પાંચ સૈનિક હતા, પણ તેઓ તો આ ભયંકર યુદ્ધમાં પહેલાંથીજ વીર ગતિ પામી ચૂક્યા હતા. થોડી વારમાં વહાણ પણ ડૂબવાની હાલતમાં આવ્યું. હવે ગેરિબાલ્ડીને વહાણમાંથી લડાઇનો સામાન બહાર કિનારા ઉપર પહોંચાડવાની ફિકર પડી. એમનો પોતાનો જીવ બે પ્રકારે જોખમમાં હતો. જો પોતે યુદ્ધ કરવું બંધ કરે તો શત્રુઓ ગોળીઓનો મારો ચાલુ રાખી તેમને મારી નાખે; અને જો વહાણ ડૂબી જાય તો પોતે તથા પત્ની વગરમોતે મરી જાય. એવા સંયોગોમાં લડાઈના દારૂગોળા કિનારે પહોંચાડવાનું કામ એમણે એનિટાને સોંપ્યું. એ કામ પાર પાડવા સારૂ એનિટાને મછવામાં બેસીને કેટલીએ વાર કિનારાથી વહાણ ઉપર અને વહાણ ઉપરથી કિનારે જવું આવવું પડ્યું. એ સમયમાં પણ શત્રુએ તેના ઉપર નિશાન તાકીને ગોળીઓ છોડવા લાગ્યા, પરંતુ એનિટાએ ઘણીજ પ્રશંસનીય રીતે પોતાનું રક્ષણ કર્યું. એ અગ્નિવર્ષા સમયે ગેરિબાલ્ડીની પત્ની બિલકુલ ધીર અને સ્થિર રહી. ધન્ય એનિટા ! ધન્ય તારૂં સાહસ ! અને ધન્ય તારી પતિભક્તિ !

આ સરોવરયુદ્ધને થોડાક દિવસ વીતી ગયા પછી ગેરિબાલ્ડીએ સેનાપતિ કેનિભરોની સેના સાથે શત્રુઓ વિરુદ્ધ યાત્રા આરંભી. એ યુદ્ધયાત્રામાં એનિટા ઘોડેસ્વાર થઈને પોતાના સ્વામીની સાથે સાથે જવા લાગી. રસ્તાની અડચણો, ભૂખ, તરસ, થાક અને યુદ્ધનાં કષ્ટોને એ હર્ષપૂર્વક સહન કરવા લાગી. પ્રત્યેક યુદ્ધમાં એ સ્વામીની પાસે રહેતી અને સૈનિકોની યથાસાધ્ય દવાદારૂ કરતી. નિરંતર યુદ્ધક્ષેત્રમાં રહીને ઘાયલ સૈનિકોની ચિકિત્સા કરવાથી એ નસ્તર મૂકવાના કામમાં પણ એટલી બધી કુશળ થઈ ગઈ હતી કે ઘાયલ સૈનિકના શરીરમાંથી બંદુકની ગોળી પણ સહેલાઈથી ખેંચી કાઢી શકતી. શસ્ત્રચિકિત્સા ઉપરાંત માવજતના કામમાં પણ એમણે પૂરી કુશળતા મેળવી લીધી હતી. એમની સારવારથી બધા ઘાયલ સૈનિકો સંતુષ્ટ રહેતા હતા, એટલે ગેરિબાલ્ડીની ફોજની સાથે કોઇ સર્જ્યન કે નર્સ રાખવાની જરૂર પડતી નહિ. એ ઉપરથી જણાશે કે, એનિટા બન્ને જવાબદારીનાં કામોને કેવી ખુબીથી કરતી હતી. મૂર્તિમતી રણદેવીની પેઠે એ