પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
મહાન સાધ્વીઓ

સહેલાઈથી બહાર નીકળી આવી. અંધકારને લીધે કોઇએ એને ઓળખી નહિ અને કોઈ પણ પ્રકારની રોકટોક થઈ નહિ. આ પ્રમાણે એ વીર અને પતિવ્રતા નારી એનિટા શત્રુઓના બંધનથી મુક્ત થઈ નિર્ભય બનીને વિજળી, વજ્રઘાત અને મુસળધાર વરસાદમાં પતિની શોધમાં નીકળી. એ પ્રમાણે કેદખાનામાંથી એનિટા જ્યારે નીકળી ત્યારે આઠ વાગ્યા હતા. લેસેજ ત્યાંથી સાઠ માઈલ દૂર હતું. ત્યાં ગયા વગર સ્વામીનો પત્તો લાગે એમ નહોતું; એટલે એ ભયંકર રાતમાં ૫ણ એ લેસેજ જવા તૈયાર થઈ. રસ્તો ઘણોજ ઉજ્જડ અને ભયાનક હતો, પરંતુ એનિટાએ એવા માર્ગમાં પતિભક્તિથી પ્રેરાઈને એકલાં પ્રયાણ કર્યું. રાતનો અંધકાર એને શત્રુઓની નજરથી બચાવવા લાગ્યો. આકાશમાં ચંદ્રમા પણ નહોતો, તેમ એનિટાને રસ્તો બતાવવાને તારાઓનો ક્ષીણ પ્રકાશ પણ નહોતો; પરંતુ થોડી થોડી વારે વિજળીના ચમકાટ થવાથી એવા ગાઢ અંધકારમાં પણ એનિટાને રસ્તો સાફ દેખાતો હતો. એનિટા ઘોડા ઉપર સવાર થઈને એ ભીષણ રાત્રિમાં અનેક વિઘ્નોને ઓળંગીને પતિની શોધમાં જવા લાગી. એસ્વિન્યાના પહાડની આસપાસ જે ભયાનક અરણ્ય આવેલું છે, ત્યાં આગળ ઝેરી સાપો પુષ્કળ વસે છે. ત્યાં મનુષ્યોનો નિવાસ બહુજ થોડો છે. એવા ભીષણ સ્થાનની પાસે થઇને એનિટા જવા લાગી. એટલું સારું હતું કે એનો રસ્તો જંગલની એક તરફ થઈને જતો હતો અને જંગલની વચમાં થઈને જવાની જરૂર પડતી નહોતી; નહિ તો એ વાટ ભૂલી જઇને જંગલમાં તેનો પત્તો પણ લાગત નહિ.

આ પ્રમાણે ખાધાપીધા વગર કેટલાએ કલાક ચાલ્યા પછી તે વનની પાર સહીસલામત નીકળી આવી. પ્રાતઃકાળે તેણે જોયું કે ચાર એઝિલવાસી સિપાઇઓ ઘોડેસ્વાર થઈને એની પાછળ પાછળ આવી રહ્યા છે. એમને જોઈને એનિટા એક સ્થાનમાં સંતાઈ ગઈ અને છેક એમની પાસે થઈને તેઓ ચાલ્યા ગયા તો પણ એનિટા દૃષ્ટિએ નહિ પડવાથી નિરાશ થઇને પાછા ફર્યા. એમના ચાલ્યા ગયા પછી એનિટા કેનોઆસ નદીને કિનારે જઈ પહોંચી, વર્ષાઋતુ હતી. એ સમયે નદીમાં પુષ્કળ પાણી જોશથી વહેતું હતું. પરંતુ એનો ઘોડો સધાવેલો હતો, એ એનિટાને પોતાની પીઠ ઉપર બેસાડીને પાણીમાં કૂદી પડ્યો અને તરવાની કુશળતા દાખવીને સામે પાર પહોંચી ગયેા. ઘોડેસ્વાર એનિટાએ ત્યાં જઈ