પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન સાધ્વીઓ

તંદુરસ્તી બીજાઓની પેઠે નાશ પામી નહિ; તેમજ અપમાન ભોગવવાનો વારો પણ બહુ ઓછો આવ્યો.

રાત્રે ભોજન કરી રહ્યા પછી શરાબમાં મસ્ત થઇને શેઠ તથા મહેમાનો બેહોશ પડ્યા રહેતા. એવે વખતે જ માત્ર ગુલામોને આરામ લેવાનો લાગ મળતો. એ વખતે શેઠીઆ તથા તેમના મિત્રોએ છાંડેલા મદ્યમાંસ ઉપર હાથ ફેરવીને તેઓ આખા દિવસના પરિશ્રમ તથા અપમાનનો બદલો વળી ગયેલો માનતાં. રાબેયા તેમના ટોળામાં ભળતી નહિ. એ આત્મસંયમવાળી અને ગંભીર હતી. બીજા નોકરો મોજમજાહ ઉડાવવામાં પડતા ત્યારે એ એકલી પોતાની ઓરડીમાં જઇને પડતી. એની એ ટેવને લીધે બીજાઓ તેના ઉપર મમતા રાખતા નહિ. આથી તેનું ઠાવકું ગંભીર મોં જોઈને કોઈને તેની મશ્કરી કરવાની કે તેને પજવવાની હિંમત ચાલતી નહિ.

આ પ્રમાણે કેટલાએ દિવસ નીકળી ગયા. એક રાત્રે રાબેયાના શેઠના ઘરમાં તેની ઈજજતને માન આપીને ઘણાક કવિઓ, તત્વવેત્તાઓ, જ્યોતિષીઓ અને હકીમો જમવા આવ્યા હતા. તેઓમાં વાદવિવાદ ચાલી રહ્યો છે, રાબેયાનો શેઠ એની કાંઈ પણ પરવા કર્યા વગર શરાબનો શીશો હાથમાં લઈને મસ્ત થઇને બેઠો છે. એ સમયની ફેશન પ્રમાણે જે જે વિષયોની ચર્ચા ચાલી રહી છે તે ઉપર તેનું જરા પણ ધ્યાન નથી. રાબેયા એક પછી એક ભોજનની સ્વાદિષ્ટ વાનીઓ લાવી રહી છે, શીશાઓમાં ઉપરાઉપરી દારૂ આવે છે અને જોતજોતાંમાં ખલાસ થતો ચાલે છે. એક મહેમાન હાડકાંની ગાંઠમાંથી માંસ ચૂસતી વખતે એ ગાંઠનું બંધારણ જોઇને બોલ્યો કે ‘વાહ ! આ ગાંઠ આવી કેવી ? માણસના શરીરમાં પણ શું આવી ગાંઠ હશે ?’ એક હકીમ સાહેબ બોલી ઉઠ્યા “હાં, જનાબ ! માણસના શરીરમાં પણ આવી ગાંઠ છે; પરંતુ ચોપાયાં જાનવરો અને માણસના ચાલવાની રીતમાં જે ફરક છે તેને લઇને એમાં પણ થોડીક ભિન્નતા છે.” પેલા સદ્‌ગૃહસ્થ બોલી ઉઠ્યા કે “મનુષ્યની સાથે ચોપાયાંના પગની આ ગાંઠ સરખાવી જોવાની મારી ઈચ્છા થાય છે.” આ શબ્દો શરાબમાં મસ્ત બનેલા રાબેયાના શેઠના કાને પડ્યા. એ અશુભ ક્ષણે અથવા શુભ ક્ષણે જે કહો તે–રાબેયા ભેાજન લઇને ત્યાં આવી પહોંચી. એને જોતાંજ શેઠ બોલી ઉઠ્યા કે “એમાં તે શી મોટી