પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
મહાન સાધ્વીઓ

લાકડાં સળગાવીને તાપણી કરવામાં આવી હતી. એના તાપમાં મરણતોલ થયેલા બાળકને તપાવીને એનિટાએ પુત્રને બચાવ્યો. સદ્‌ભાગ્યે ત્યાં આગળ ફલેનલ પણ મળી ગઇ. એ ફલેનલમાં એણે પુત્રને લપેટી દીધો. કુદરતી ગરમીના અભાવે બાળક મિનોતીનું બધું અંગ ઠંડુગાર થઈ ગયું હતું. એનિટાને એના બચવાની જરા પણ આશા નહોતી, એણે ફલેનલ તથા અગ્નિની સહાયતાથી મિનોતીના શરીરને ધીમે ધીમે ગરમી પહોંચાડી અને એ પ્રમાણે એ બાળકનો પ્રાણ બચ્યો. એમના આશ્રયદાતા અમેરિટનોએ તેમને પૂરતાં લૂગડાં અને ભોજનસામગ્રી પૂરાં પાડ્યાં અને ગેરિબાલ્ડી આવતા સુધી નાના પ્રકારથી એમની સેવા ચાકરી કરી. પેલી તરફ બધા ઘોડા મરી પરવારવાથી ગેરિબાલ્ડીને રસ્તાના બાકીનો ભાગ પગે ચાલીને પૂરો કરવો પડ્યો. એથીજ એમને પત્નીની પાસે પહોંચવામાં ઘણી વાર લાગી.

આ બનાવ પછી પણ થોડાજ દિવસમાં એનિટાને સ્વામીની સાથે પાછા સમરભૂમિમાં ઉતરવું પડ્યું. જુલ્મી બાદશાહ રોજસ મેન્ટિમિરિયોનો ક્રૂરતાપૂર્વક નાશ કરવા માગતો હતો. એ ક્રૂર રાજાની ચઢાઈ રોકવા માટે ગેરિબાલ્ડી પોતાની સ્ત્રીની સાથે રણક્ષેત્રમાં ગયો. ગેરિબાલ્ડીની સેના આગળ એ ઘાતકી રાજાનું કાંઇ ન ચાલ્યુ. ત્યારપછી થોડા દિવસ બાદ એનિટા પતિની સાથે – પતિની જન્મભૂમિ, પ્રાકૃતિક સૌંદર્યનું વિકાસસ્થાન, વીરત્વની ખાણ, ઇતિહાસનું ઉત્પતિસ્થાન – પવિત્ર ઈટલિમાં ગઈ.

ઇ.સ. ૧૮૪૭ ની ૨૪ મી જૂને તેમના વહાણે ગેરિબાલ્ડીના જન્મસ્થાન નાઈસ નગરથી થોડેક દૂર લંગર નાખ્યું. જો કે એ સમયે પણ ગેરિબાલ્ડીની વિરુદ્ધ ફાંસીનો હુકમ જારી હતો, પણ કિનારે ઉતરતી વખતે તેમને કેદ પકડવામાં આવ્યા નહિ. એમણે જમીન ઉપર પગ મૂકતાંવારજ આખા ઇટલિ દેશમાં વિજળીનો સંચાર થઈ ગયો. ચારે તરફ મહોત્સવ થવા લાગ્યા. ઇટલિનું પ્રત્યેક નગર દીપમાળાઓથી સુસજ્જિત થઈ ગયું. ચારે તરફથી વીરોનાં દળ આવીને તેમને મળવા લાગ્યાં.

ગેરિબાલ્ડી પ્રિયતમા એનિટા અને પોતાના પુત્રને નાઈસ નગરમાં પોતાની માતાની પાસે મૂકીને પોતે રાષ્ટ્રીય સૈન્યને લઇને પ્રિન્સ આલ્બર્ટના તંબુ તરફ રવાના થયા. પ્રિન્સ આલ્બર્ટ એ સમયે ઑસ્ટ્રિયાની વિરુદ્ધ લડવાને કમર કસીને તૈયાર હતો, પણ