પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
સાધ્વી એનિટા

એ ગેરિબાલ્ડીને મેઝિનીના જેવો ધારતો હતો. મેઝિની રાજતંત્રનો વિરોધી અને પ્રજાસત્તાક રાજ્યનો વિશેષ પક્ષપાતી હતો. એટલા માટે એને લશ્કરી ખાતામાં કોઈ મોટો હોદ્દો આપવાની તેની ઈચ્છા નહોતી. ગેરિબાલ્ડીએ એથી દુઃખી થઈને તા. ૧૨ મી ઑગસ્ટે ચાર્લ્સ આલ્બર્ટની વિરુદ્ધ પ્રચાર કરવા માંડ્યો કે, એ સ્વજાતિદ્રોહી અને સ્વદેશશત્રુ છે, એટલા માટે દેશપ્રેમી અને સ્વદેશભક્ત મનુષ્યોએ એનું કહ્યું ન માનવું જોઈએ. એ જાહેરનામું પ્રગટ કરીને એ સૈન્યની સાથે રોમની તરફ ગયા. મેઝિનીના લશ્કરે એજ અરસામાં પોપને ધક્કો મારીને પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરી હતી. એમણે રોમના પ્રજાસત્તાક રાજ્યના સૌથી મોટા સભાસદ તથા સેનાપતિનું પદ સ્વીકારવાને ગેરિબાલ્ડીને નિમંત્રણ આપ્યું. ગેરિબાલ્ડીએ તેમના નિમંત્રણથી પ્રસન્ન થઈને સેના સહિત રોમની યાત્રા કરી. એમણે ૧૮૪૯ ની ૯ મી ફેબ્રુઆરીએ મેસિરાટા પ્રદેશના પ્રતિનિધિતરીકે રોમની મહાસભાના સૌથી મોટા સભાસદનું આસન ગ્રહણ કર્યું. એ વખતે વોઝેલ્લી રોમના પ્રજાસત્તાક રાજ્યનો મુખ્ય સેનાપતિ હતો. મહાસભાએ ગેરિબાલ્ડીને એના હાથ તળે સેનાપતિ પદ સ્વીકારવાનો આગ્રહ કર્યો; અને ગેરિબાલ્ડીએ એ આગ્રહને માન આપ્યું.

એજ સમયે ફ્રાન્સના રાજા ત્રીજા નેપોલિયને રોમની મહાસભાને નષ્ટ કરવા માટે ઓદિનોને રોમ મોકલ્યો. આદિનોએ સાઠ હજાર સૈનિકો સાથે ત્રીજી જૂનની રાતે એકદમ રોમ ઉપર ચઢાઈ કરી. એણે રોમવાસીઓને ચેતવણી આપી હતી કે, હું ૪ થી જૂને તમારા ઉપર ચઢાઈ કરીશ. એટલા માટે ૪થી જૂનની આગલી રાત્રે રોમના લોકો ઘોર ઉંઘમાં સૂતેલા હતા. નેપોલિયને દગો કરીને અચાનક ચઢાઈ કરી અને સહેલાઈથી એ રાત્રે રોમના કેટલાક ભાગ ઉપર કબજો કરી લીધો. પહેરેગીરોએ ‘ઈટલીનો જય’ પોકારીને એ સેનાનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ ભીષણ સેનાએ તરતજ તેમના સંહાર કરી નાખ્યો. ચારે તરફથી ઘંટ વાગવા લાગ્યા અને જોતજોતામાં આખું રોમનગર જાગી ગયું અને સ્ત્રી તથા પુરુષ, વૃદ્ધ અને યુવાન બધાં નગરની રક્ષા કરવા ચઢાઈના મેદાન તરક દોડવા લાગ્યાં. આકુળવ્યાકુળ થયેલા રોમનિવાસીઓની દૃષ્ટિ એ સમયે ગેરિબાલ્ડીના ઉપર હતી, બધાએ રોમના રક્ષણનો ભાર એને સોંપી દીધો.