પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
મહાન સાધ્વીઓ


ત્રીજી જૂનથી ૨૮ મી જૂન સુધી એ ઘોર યુદ્ધ જારી રહ્યું. ગેરિબાલ્ડીની અલૌકિક વીરતાથી બધાં રોમવાસીઓમાં પણ વીરતાનો સંચાર થયો. પ્રબળ પ્રવાહથી વહેતી નદી જેવી રીતે સમુદ્રમાં જઇને ભળે છે અને થોડા સમય માટે તેને આકુલિત કરી દે છે, તેવીજ રીતે રોમની સેનાએ ફ્રાન્સના પ્રબળ સેના સાગરમાં થોડા સમયને માટે ખળભળાટ મચાવી મૂક્યો અને તેમના હુમલા સામે ઘણી વીરતા અને સાહસપૂર્વક ટક્કર ઝીલી.

એજ ભીષણ સમયમાં ૨૪ મી જૂનની રાતે ગેરિબાલ્ડીએ કેટલાક સૈનિકોને રાત્રિભોજનને માટે આમંત્રણ આપ્યું. નિરંતર ગોળા વરસવાથી એમનું ઘર ખડભડી ઉઠ્યું હતું, એટલે એને છોડીને બીજે કોઈ ઠેકાણે જવાની એમને ફરજ પડી. ઘરની બહાર આવીને આંગણામાં ટેબલ ઉપર જમવાને સારૂ એ લોકો બેઠા. એજ સમયે અચાનક એક ધગધગતો ગોળો આવીને એમની સામે પડ્યો. એ ગોળાથી બ્હીને બધા મહેમાનો નાસી ગયા, ફ્રેંચી નામનો એક મહાસભાનો સભાસદ પણ નાસવાની તૈયારી કરવા લાગ્યો; પણ ગેરિબાલ્ડીએ તેને પકડી રાખ્યો. એટલામાં પેલો ગોળો ફાટી ગયો અને બધે ધૂમાડો ફેલાઈ ગયો. એજ સમયે વીરતાની સાક્ષાત્ મૂર્તિ એનિટા વિજળીની પેઠે એકદમ ગેરિબાલ્ડીની સન્મુખ આવીને ઉભી રહી. ફ્રાન્સની અભેદ્ય સેનાની વચમાં થઈને એનિટા ત્યાં કેવી રીતે આવી પહોંચી, એ જોઇને ગેરિબાલ્ડી તથા તેમના મહેમાનોને ઘણું જ આશ્ચર્ય લાગ્યું. તેઓ સ્થંભિત થઈ ગયા.

ગેરિબાલ્ડી જે સમયે ચાર્લ્સ આલ્બર્ટથી હારીને જીનેવામાં માંદા પડ્યા હતા, તેજ સમયે એમની રજા વગર એનિટા એમની સારવાર સારૂ એમની પાસે જઈ પહોંચી હતી. ગેરિબાલ્ડીએ તેને નાઇસ નગરમાં માતાની પાસે પાછા જવાનું કહ્યું, પણ પતિને મંદવાડના ખાટલામાં મૂકીને પોતે સહીસલામત સ્થાને જવાનું એનિટાએ પસંદ ન કર્યું. ત્યારપછી ગેરિબાલ્ડીએ કદી એને પોતાનાથી વિખૂટા પડવાનું ન કહ્યું. એનિટા પણ સદા પતિની પાસેજ રહી. રોમના ઘેરાઓની શરૂઆતમાં એનિટાને ગર્ભવતી સમજીને ગેરિબાલ્ડી એને રોમની પાસેના વિયેટી નગરમાં મૂકી આવ્યા હતા; પણ ગેરિબલ્ડીનો જીવ જોખમમાં છે એવી શંકા થતાંજ એ ઝાઝી વાર ત્યાં રહી શકી નહિ. એટલા માટેજ અરિજેની નામના એક માણસને સાથે લઈને ફ્રાન્સના અભેદ્ય સૈન્યમૂહને