પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
સાધ્વી એનિટા

ગેરિબાલ્ડી પત્નીને લઈને મેંડિયાલી નામના એક ગામમાં એક ખેડુતના ખળામાં આશ્રય સારૂ લઇ ગયા.

એ ભલા ખેડુતનું નામ રાભિગલિયા હતું. એણે તથા એના ભાઈઓએ ગેરિબાલ્ડીનો બહુજ આદરસત્કાર કર્યો. સાન એલબેટી નામક નગરના પ્રસિદ્ધ ડોક્ટર નાનનિની અચાનક કોઈ કામસર ત્યાં જઈ પહોંચ્યા. એમણે એનિટાની નાડી જોઈને કહ્યું કે, એમને વિષમજવર થયો છે. ઘણા પ્રયત્નપૂર્વક એનિટાને ઉપાડીને એક ઓરડીમાં નરમ બિછાનામાં સૂવાડી. તરસથી એનો કંઠ સૂકાઈ રહ્યો હતો, એટલે તરસ છીપાવવા એક ગ્લાસ પાણી પાવામાં આવ્યું. ગેરિબાલ્ડી પોતાની પ્રાણપ્રિયા એનિંટાને ખેાળામાં લઈને પાણી પાઈ રહ્યા હતા. પાણીના બે ચાર ઘુંટડા પીધા પછી એ પતિવ્રતાનું મૃત્યુ થયું. પતિના ખોળામાં એ પૂર્ણગર્ભા સતીનો મૃતદેહ અપૂર્વ સ્વર્ગીય શોભા આપી રહ્યો હતો. એનિટાની જીંદગીભરની અભિલાષા આજે પૂરી થઈ. પતિની સન્મુખ પોતે પ્રાણ ત્યજશે, પતિના મૃત્યુ પછી જીવવા વારો પોતાને નહિ આવે એજ એમની એકમાત્ર અભિલાષા હતી. એટલા માટેજ એ રણક્ષેત્ર કે ગમે તેવા ભયાનક સ્થાનમાં પણ પતિથી વિખૂટી પડતી નહોતી. એની ઈચ્છા આજે પૂરી પડી. ઇ. સ. ૧૮૪૯ ની ૪ થી ઑગસ્ટની સાંજે લગભગ વીસ શોકાતુર સંબંધીઓની સન્મુખ પતિના ખેાળામાં આદર્શ નારી એનિટાની માનવલીલા સમાપ્ત થઇ. શોકાર્ત ગેરિબાલ્ડી મોટે સાદે રડવા લાગ્યા, પરંતુ એમના નસીબમાં હૈયું ખાલી કરીને પત્નીને માટે પૂરૂ રડવાનું પણ લખાયું નહોતું. એમની પૂંઠ પકડનાર શત્રુ ઓસ્ટ્રિયનોના ભયથી એમને સહધર્મિણીના મૃતદેહની અંત્યેષ્ટિ ક્રિયા કરવાનું કામ એ ખેડુતને સોંપીને નાસવું પડ્યું. એ ખેડુત ઓસ્ટ્રિયનોના ભયથી એનિટાના શરીરને સમાધિમાં મૂકવાની ક્રિયા જાહેર રીતે કરી શક્યો નહિ. એણે ભયભીત હાથે એનિટાના શબને ખેતરના એક ખૂણામાં ચિરવિશ્રામને માટે દફનાવ્યું. ગેરિબાલ્ડી જ્યારે ઓસ્ટ્રિયનોને ઈટાલીમાંથી હાંકી કાઢીને ડિક્ટેટરના પદ ઉપર બિરાજમાન થયા, ત્યારે એમણે એ સામાન્ય સમાધિ ઉપર એક મોટું સ્મરણચિહ્ન ઉભું કર્યું. એ સમયથી એ સ્થાન એક પવિત્ર તીર્થ મનાવા લાગ્યું છે.

એનિટાના જીવન ઉપરથી ભારતીય રમણીઓ વીરતા, સેવાપરાયણ