પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધ્વી રાબેયા

વાત છે ! આ દાસીના પગ કાપી જુઓ.” આજ્ઞા થતાંજ કેટલાક લોકોએ રાબેયાને પકડી રાખી અને એક હકીમે છુરી વડે તેની જાંઘમાંથી એક પછી એક માંસની પેશીઓ કાઢ્યા બાદ પેલી ગાંઠ ખેંચી કાઢી. રાબેચા અચળ હતી. મનુષ્યના પગની ગાંઠની રચના જોઈને એક જણ બોલી ઉઠ્યો કે “વાહ ! વાહ ! પ્રભુની કેવી અદ્ભુત લીલા છે!” અસહ્ય વેદનામાં પણ ઈશ્વરનું દુ:ખને શમાવનારું નામ રાબેયાના કાને પડ્યું. હકીમોએ માંસની પેલી પેશીઓને પાછી ઠેકાણાસર ગોઠવી દઈને ઔષધ ચોપડીને પાટો બાંધી દીધો અને નોકરો રાબેયાને તેની ઓરડીમાં મૂકી આવ્યા.

રાબેયાનું જીવન દુઃખમય હોવા છતાં પણ હાલનું આ શારીરિક દુ:ખ તેને નવાજ પ્રકારનું લાગ્યું. આખી જીંદગીના દુ:ખે તેને સંયમવાળી અને સદ્‌ગુણી બનાવી હતી, પરંતુ ઈશ્વરપ્રેમનો દિવ્ય પ્રકાશ તેના અંધકારમય જીવનમાં કદી પડ્યો નહોતો. આજની આ અતિશય વેદનામાં જે મધુરૂ નામ તેના કાનમાં અમૃત રેડી ગયું તે એના જીવનમાં વ્યર્થ ગયું નહિ. તેણે ઘણીજ કાળજીથી એ પવિત્ર નામને પાતાના મનોમંદિરમાં સ્થાપન કર્યું. તેના મુખમાંથી પહેલી ઉપાસના નીકળી કે “શુક્ર ખુદા” ઈશ્વરનો ઉપકાર.

ત્યારપછી તે બોલી “આજના દુઃખ વડે ઈશ્વરે મને સમજાવ્યું કે, આટલા બધા દિવસ તેણે મને કેટલા સુખમાં રાખી હતી ! હે પ્રભુ ! આજે શરીરના એક અંગને દુઃખી કરીને તેં જણાવ્યું છે કે, કેટલા યત્નપૂર્વક સેંકડો પ્રકારે તું મારી રક્ષા કરી રહ્યો છે; મારી હરઘડીની રક્ષાને સારુ તારે કેટલી બધી કાળજી રાખવી પડે છે; એ બધી વાતોનો વિચાર કરતાં હું તો લાજી મરું છું. હવે હું શું મોં લઈને તારી પ્રાર્થના કરું?”

તેના હૃદયમાં આજે નિષ્કામ પ્રેમ ફૂટી નીકળ્યો, દિવસે દિવસે તે વધતો જ ગયો. એક માસ કરતાં વધારે વખત એ પથારીવશ રહી, નોકરો ફક્ત ખાવાપીવાનું આપવા જતી વખતે તેની ખબર લઇ જતા. એ સમયમાં નિરંતર ઈશ્વરનું સાન્નિધ્ય અનુભવીને એ ઘણીજ સુખી થઈ હતી.

એ મંદવાડમાંથી સાજી થયા પછી તે પાછી પોતાને કામે લાગી. બહારથી એ ઘરના કામકાજમાં ગુંથાયેલી રહેતી, પણ તેનું ચિત્ત રાતદિવસ ઇશ્વરની ઉપાસનામાં નિમગ્ન રહેતું. ઈશ્વર ઉપર નિઃસ્વાર્થ પ્રેમ રાખીને એ તૃપ્ત થતી હતી, કોઈ દિવસ પ્રભુ