પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
પરિશિષ્ટ

થોડું ઘણું લખતાંવાંચતાં શીખવવું, અને પોતાની ગાવા વગાડવાની કળા પણ થોડી ઘણી શીખવવી; પરંતુ તેની મા ઘણી તામસી સ્વભાવની હતી. તે કહે કે “છોકરીની જાતને લખતાંવાંચતાં શીખીને શું કરવું છે ? એને તો ઘરમાં વાસીદું વાળવું, પાણી ભરવું, કપડાં ધોવાં, શીવવું, સાંધવું અને રસોઈ કરવી, આટલી બાબતો આવડે એટલે બહુ છે. એને ગાતાંએ શીખવવું નથી અને વગાડતાંએ શીખવવું નથી. તમારા એવા ગાંડા વિચાર મારા ઘરમાં નહિ જોઈએ.” આવુ આવું એ બોલે ત્યાં પછી બીજાનું શું ચાલે ? બાપ બિચારો ગરીબ સ્વભાવનો હોઈ પત્નીની વિરુદ્ધ જતો નહોતો, તો પણ પોતાની પુત્રીને પોતાની કળા થોડી પણ શીખવવાનો તેનો ઘણો વિચાર હતો. આથી અને કેરોલીનનું પણ ચિત્ત વિદ્યા તરફ હતું તેથી તેની મા ઘરમાં ન હોય ત્યારે અથવા તો તેનું મન જરા આનંદમાં હોય ત્યારે – તેટલાજ વખતનો લાભ લઈને – તેનો બાપ તેને સંગીત શીખવતો હતો. પોતાની ઉંમરના ૮૮ મા વર્ષે લખેલા એક પત્રમાં કેરોલીન પોતાના પૂર્વ કાળના સંબંધમાં લખે છે કે “મારૂં તે વખતનું ઘરનું કામ એટલે શીવવું, તૂનવું, ભરત ભરવું વગેરે ઘરનું કામ બધું મારેજ કરવું પડતું હતું. તેથી મને જે વિષયો ગમતા હતા, અને જેને લીધે મારા મનને સારા સંસ્કાર મળશે એમ મને લાગતું હતું, તેને માટે મને વખત પણ મળતો નહોતો અને પરવાનગી પણ નહોતી. ઘરમાં જે જે કામ હું શીખી હતી, તેમાંના એકનો પણ આગળ જતાં મને ઉપયોગ થયો નહિ.કોઈ વખત મારી મા જરા બહાર ગઈ હોય ત્યારે ચોરી છુપીથી મારા બાપે મને જે કાંઇ સંગીતનું જ્ઞાન આપ્યુ હતું તેટલું જ આગળ જતાં ઉપયોગમાં આવ્યું.”

વિલિયમનો નાનપણથી કેરોલીન ઉપર અત્યંત પ્રેમ હતો. મોટો ભાઈ જેકબ હમેશાં ‘તને પીરસતાં નથી આવડતું, વાળતાંજ નથી આવડતું” વગેરે કહી તેને વખતો વખત મારતો પણ ખરો. પરંતુ વિલિયમ ઘણો માયાળુ હતો. ઉપર કહ્યા પ્રમાણે એક વખત જેકબે તેને બહુ સંતાપી તેથી તે એક બાજુએ જઈને બેઠી હતી. આ વિષે એક પત્રમાં કેરોલીને પોતેજ એવું લખ્યું છે કે “વિલિયમ જમતાં જમતાં ઉઠીને એકદમ મારી પાસે આવ્યો અને મને આશ્વાસન આપવા લાગ્યો, અને તેથી તરત જ હું મારું સર્વ દુઃખ એક ક્ષણમાં ભૂલી ગઈ.” આ ઉપરથી ભાઈબહેનનું હેત એકબીજા