પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
કેરોલીન હર્શેલ

ઉપર કેટલું હતું એ સારી રીતે ધ્યાનમાં આવશે.

બાપની પાસેથી સંગીત અને વગાડવાની વિદ્યા થોડી ઘણી શીખ્યા પછી વિલિયમ જે જન્મથીજ ઉદ્યોગી હતો તેને એમ લાગવા માંડ્યું કે, માખી મારતા ઘેર બેસી રહેવામાં કાંઈ ફળ નથી. તેથી વિના વિલંબે તે જર્મની છોડીને ઈંગ્લઁડમાં બાથ નામના શહેરમાં ગવૈયાનો અને વગાડવાનો ધંધો કરવાને ગયો.

બાથ શહેરમાં આવ્યા પછી પેટપૂરતું મળવા માંડ્યાથી વિલિયમ હર્શેલને તારા જોવાનો અને તારાઓ બરાબર દેખાય તે માટે દૂરબીન તૈયાર કરવાનો નાદ લાગ્યો. પેટ ભરવા માટે સવારથી સાંજ સુધી ઘેરે ઘેર જઈને ગાવા વગાડવાનું શીખવવું અને સાંજે ઘેર આવીને થોડા વખત દૂરબીન બનાવવામાં અને થોડો વખત આકાશ તરફ જોઈને જૂદા જૂદા તારાવિષે જ્ઞાન મેળવવામાં કાઢવો, એવો એનો નિત્યક્રમ હતો. અહી ઘેર કેરોલીન બિચારી પોતાના મોટા ભાઇને ખુશ કરવા માટે અને માતાનો રોષ ન થાય તેટલા માટે સવારથી સાંજ સુધી જેટલું એનાથી બને તેટલું કરવાને મથતી હતી. જેકબ હજી સુધી તો કાંઈજ મેળવતો નહોતો. આવી સ્થિતિમાં બાપના ગુજરી જવાથી કુટુંબના ઘણાજ હાલહવાલ થયા.

કેરોલીનને અને તેની માને ઘણોજ શ્રમ કરવો પડતો હતો; કારણ કે જેકબને પોતાના ઘરને શોભે એવો ધંધો જડતો નહોતો. આવી સ્થિતિમાં શુમારે ચાર પાંચ વર્ષ ગયાં. વિલિયમને ઘરનાં માણસોને મળવાની ઇચ્છા થઈ તેથી તે થોડા દિવસ ઘેર આવ્યો. એને જોઈને કેરોલીનને ઘણોજ આનંદ થયો અને વિલિયમ જ્યારે પાછો જાય ત્યારે તેની સાથે કેરોલીને જવું એવું ભાઇબહેન વચ્ચે ઠર્યું. જવાના દિવસ સુધી એમનો આ વિચાર જેકબને જાણવા દીધો નહિ. છેલ્લે તેમણે જે વિચાર કર્યો હતો તે પાર પડ્યો. કેરોલીન પોતાના ભાઈ સાથે ઇંગ્લઁડ ગઈ.

ઈંગ્લઁડ જઈને ભાઈને ઘેર રહ્યા પછીના કેરોલીનના ચરિત્રમાં આસમાન જમીનનો ફરક પડી ગયો. જર્મનીના એક નાના ગામમાં પોતાની માતાના હાથ નીચે સવારથી સાંજ સુધી કેરોલીન કામ કર્યા કરતી પણ હવે પોતાના ભાઈ સાથે ઇંગ્લઁડ આવ્યા પછી તેની સ્થિતિ બદલાઈ ગઈ આગળ જતાં તે એક પ્રખ્યાત ગાનારી થઈ, ખગોળશાસ્ત્રમાં તેણે નામ મેળવ્યું અને મોટાં મોટાં દૂરબીનો તૈયાર કરવામાં