પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
પરિશિષ્ટ

તેણે પોતાના ભાઈને ઘણી મદદ કરી. આ બંને ભાઈબહેને બાથ શહેરમાં રહી વખતનો જે ઉપયોગ કર્યો તેના કરતાં વધારે આશ્ચર્યજનક બીના ઘણી થોડીજ હોય. વિલિયમ આખા દિવસમાં પાંચ છ ઠેકાણે શીખવતો. આ સિવાય સંગીતસભાનો તે વ્યવસ્થાપક હોવાથી તે કામ પણ તેને કરવું પડતું હતું. આ કામ કરીને જે પૈસો તેને મળતો તેથી બે વખત ખાવાની બંનેને જોકે હરકત પડતી નહોતી તોપણ વિલિયમનો દિવસનનો બધો વખત એ કામમાંજ જતો હતો એ ખુલ્લું છે. રાત્રિનો વખત તે ‘આકાશ અવલોકવામાં’ અથવા ‘આકાશ તરફ બારીક રીતે નિરીક્ષા કરવાનાં સાધનો (દૂરબીનો) તૈયાર કરવામાં કાઢતો હતો. ઘરમાં જ્યાં જોઈએ ત્યાં લાકડાના તથા કાચના કકડા પડેલા હોયજ. આ કામમાં મન લાગેલું હોવાથી વિલિયમને ઉંઘવાનું તો સૂઝતું જ નહોતું, પણ ખાવાપીવાનું સુદ્ધાં ભાન રહેતું નહોતુ. કોઈ કોઈ વખત એવું બનતું કે, તે પોતે પોતાનું કામ કરતો હોય અને તેની બહેન તેના મોંમાં કોળિયા મૂકીને જમાડે. એક વખત તો એકે રજાના દહાડે એક દૂરબીન માટે સાત કુટનો કાચ તે તૈયાર કરતો હતો ત્યારે તેણે બરાબર સોળ કલાકસુધી લાગલગટ કામ કર્યું. એક ક્ષણનો પણ આરામ લીધો નહિ. બાથ શહેરમાં હતા ત્યારેજ વિલિયમ હર્શેલે પોતાનું ચાલીસ ફુટનું દૂરબીન તૈયાર કર્યું. ત્યાંજ તેણે કેટલાએક નવા તારાની શોધ કરી, અને ઇંગ્લઁડમાં ઘણાજ ઉત્તમ ખગોળવેત્તાનું નામ મેળવ્યું.

આ બધા કામમાં કેરોલીન પોતાના ભાઈને મદદ કરતી અને સાથે સાથે પોતાનો ગાવાનો અભ્યાસ પણ ચાલુ રાખતી. પાંચ વર્ષ સુધી સતત અભ્યાસ કરીને છેવટે એક દહાડો મેળાવડો કરીને તેણે પોતાની ગાવાની કળા બધાને સંભળાવી. તે વખતની તેની કુશળતા જોઈને અને અવાજ સાંભળીને મિત્રમંડળીને ઘણો આનંદ થયો; અને પૈસા મેળવવાને કેરોલીનને આ ઘણું ઉત્તમ સાધન થયું એમ તેઓ કહેવા લાગ્યાં. સંગીતનો એટલે ગાવાનો અને કોઈપણ જાતનું વાદ્ય વગાડવાનો ધંધો ખરું જોતાં સર્વોત્તમ છે છતાં પણ આપણામાં તેને હલકો ગણ્યો છે. જેમ આપણા જનસમાજમાં અત્યંત નીચ ધંધો કરનારી સ્ત્રીઓનાજ હાથમાં તેની બધી કુંચીઓ છે, તેમ યુરોપ અને અમેરિકાખંડમાં નથી. ગાવા – વગાડવાનો અથવા નાટકોમાં વેશ લેવાનો ધંધો એ લાકોમાં હલકો