પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
કેરોલીન હર્શેલ

ગણાતો નથી. પુષ્કળ સભ્ય કુલીન સ્ત્રીઓ એ ધંધામાં છે અને તેમને સમાજમાં ઘણું માન મળે છે. તેથી કેરોલીન એક કુલીન સ્ત્રી તે વિદ્યા સંપાદન કરે અથવા તે ઉત્તમ રીતે સંપાદન કર્યા પછી તેના મિત્રો તેને મુબારકબાદી આપે એમાં કાંઈ ગેરવ્યાજબી નહોતું. સંગીતવિદ્યામાં મેળવેલી કુશળતા માટે કેરોલિનનાં સૌ કોઈ વખાણ કરવા લાગ્યાં, તોપણ તેના અને તેના ભાઈના વિચારોનું એટલું વિલક્ષણ ઐક્ય થયું હતું કે, આપણો આ ગાવાનો ધંધો તે ફક્ત ભાઈને તેમાંથી મુક્ત કરવા માટેજ ચલાવવો એમ તેને લાગતું હતું. બન્નેના પેટપૂરતું ભાઈને મેળવવું પડતું, પણ તેમ ન થતાં પોતેજ બન્નેના પૂરતું મેળવે અને તેથી ભાઈને ખગોળવિદ્યાના અભ્યાસમાં પૂરેપૂરો વખત મળે એવો તેનો વિચાર હતો. ઉત્તમ દૂરબીનો બનાવનારતરીકે વિલિયમ હર્શેલની કીર્તિ દિવસે દિવસે પ્રસરવા માંડી અને હવે તો મોટા મોટા ખગોળવેત્તાઓ તરફથી, રાજારજવાડા તરફથી અગર શાસ્ત્રશોધક મંડળીઓ તરફથી દૂરબીનો તૈયાર કરવાનું કામ તેની પાસે આવવા માંડ્યું. આ દૂરબીનો તૈયાર કરવાથી તેને પુષ્કળ નફો થતો, પરંતુ પોતાનો ભાઈ આકાશના અવલોકનનું વધારે મહત્ત્વનું કામ બાજાુએ મૂકીને દૂરબીનો તૈયાર કરવામાં પોતાનો વખત ગાળે એ બહેનને જરાએ પસંદ નહોતું. તેની ઇચ્છા કાંઈ પોતે અથવા પોતાનો ભાઇ શ્રીમંત થાય અથવા તો ખાઈ–પીને સુખી રહે એવીજ નહોતી, પણ તેણે ખગોળવિદ્યાની શોધમાં જેટલી વધારે પ્રવીણતા મેળવાય તેટલી મેળવવી, એ હતી. આ ઈચ્છા સફળ કરવા માટે એક કકડો રોટલો ખાઈને અથવા પેટે પાટો બાંધી રહેવું પડે તો પણ તેવી રીતે દહાડા કાઢીને રહેવું એમ તેને લાગતું. ભાઈ જે કાંઇ પૈસા મેળવતો તે બધા કેરોલીનને સ્વાધીન કરતો અને કહેતો કે, તારે જોઈએ તેટલો તું તારે પેાતાને માટે ખર્ચ કર; પણ તે એટલી કરકસરથી રહેતી અને એવી સ્વાર્થત્યાગી હતી કે વર્ષમાં તેને પોતાને માટે બધા મળીને ૫૦–૬૦ રૂપિયા સુદ્ધાં કદી લાગતા નહિ.

વિલિયમની કીર્તિ દિવસે દિવસે વધીને રાજાના કાનસુધી ગઈ અને ઈ. સ. ૧૭૮૨ માં દર વર્ષે ૨૦૦ પૌંડના સાલિયાણાથી તેને રાજ્યજોતિષીની જગ્યા મળી. આ જગ્યા એણે સ્વીકારી; પરંતુ આથી ખરેખરૂં જોતાં પૈસાનું નુકસાન થયું. તોપણ જે વિષય ઉપર તેની આટલી બધી પ્રીતિ હતી તે વિષયનો અભ્યાસ કરવાને