પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
મહાન સાધ્વીઓ

પાસે કોઈ બાબતની પ્રાર્થના કરતી તો તે પોતાને સારુ નહિ પણ બીજાને ખાતર કરતી.

એ કહેતી કે “દુઃખ પડે છે ત્યારે હું રોઉં છું; પણ પોતાને સારૂ નહિ. હું વિચારું છું કે આજકાલ એવી વેદના બીજા કેટલા બધા લોકો ભોગવી રહ્યા છે ! હાય ! ક્યારે એ બધું દુ:ખ મને આપી દઈને લોકો પ્રસન્નચિત્તે તારું નામ ગાવા માંડશે ? ”

“મારૂં બધું લોહી સિંચવાથી પણ કોઈ ધગધગતા રણમાં એક જણને ઉભા રહેવા જેટલી જગા શીતળ થાય તેમ તેમ કરાવ !”

આ પ્રમાણે ઈશ્વરના સાન્નિધ્યનો અનુભવ થયા પછી કોઈએ રાબેયાને કદી દુ:ખી કે ઉદાસ જોઈ નહિ. પણ સઘળાં દુઃખોને ઈશ્વરના પ્રસાદરૂપ ગણીને માથે ચઢાવવા લાગી. તેણે કહ્યું છે:- “હે પ્રભુ ! તેં જ્યારથી મારા સામું ઝાંખ્યું છે, ત્યારથી મારો હર્ષ માતો નથી. સૂર્યે શું કદી પણ કમળનું મલિન મુખ દીઠું છે ? આશકનું મોં નીરખ્યા પછી દુઃખ ટકી શકે વારૂ ?”

આ પ્રમાણે દિવસો વીતવા લાગ્યા. એક દિવસ રાબેયાના શેઠને ત્યાં નિમંત્રેલા મહેમાનો આવ્યા નહિ. તેમની રાહ જોતા શેઠ અધીરા થઈ ગયા. રાત પડી, ભાણાં તથા શરાબના પ્યાલાઓ પીરસેલા પડ્યા રહ્યા, પણ કોઈ આવ્યું નહિ. અતિથિના આવ્યા પહેલાં ઘરધણીથી પણ ભોજન કરાય નહિ. મોડી રાત થઇ એટલે શેઠે દાસદાસીઓને વિદાય કરીને પોતેજ તેમની વાટ જોવા માંડી. સૂર્યોદય સુધી અતિથિની રાહ જોવાની તેની ફરજ હતી. મદ્યલાલસા તેને પીડવા લાગી, એટલે તેને ટાળવા ધીમે ધીમે ઘરની બહાર નીકળી પડ્યો. આખી જીંદગીમાં મદરહિત સાદી આંખે કુદરતની અદ્ભુત લીલાનાં દર્શન કરવાનો આ તેની જીંદગીમાં પ્રથમ પ્રસંગ હતો. ચાંદનીના પ્રકાશથી ઝગમગતું રણ, ખજૂરોના વનની શોભા, એ બધાના અપૂર્વ સૌંદર્યથી તેનું ચિત્ત પીગળી ગયું. એ વખતે અપૂર્વ સંવાદ સંભળાવતો એક મધુર સ્વર તેણે સાંભળ્યો. અવાજની દિશામાં આગળ જઈને એ નોકરોની ઓરડીઓ આગળ પહોંચતાં જુએ છે તો બધા નોકરો સૂઈ ગયા છે; કેવળ રાબેયા જાગે છે અને તેના કંઠમાંથી આ સ્વર્ગીય સંગીત નીકળી રહ્યું છેઃ–

“હે પ્રભુ ! હે ઈશ્વર ! તને સેંકડો ધન્યવાદ છે. હું મારા આશ્રયદાતા દુનિયાઈ માલિક ! તારી પાસે મેં જે આશ્રય અને સુખ મેળવ્યું છે તેને માટે તને પણ ધન્યવાદ છે. અને તારી