પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
સાધ્વી બહેન દોરા

પછી દોરા રેડકાર નગરમાં ફરવા ગઈ; ત્યાં તેને ભગિનીસંપ્રદાયની કેટલીક સ્ત્રીઓ સાથે ઓળખાણ થઈ. એ સ્ત્રીઓ ભગિનીસેવા વગેરે પરમાર્થકાર્યમાં લાગેલી હતી. ઇંગ્લઁડમાં જુદે જુદે ઠેકાણે એ પરોપકારનાં કામ કરતી ફરતી. સરળ સ્વભાવની દોરા તેમને જોઇ વિચારવા લાગી કે "ઓહો ! એઓ કેવું રૂડું કામ કરે છે ! દીન દુઃખીઓની સેવા કરવા જેવું જગતમાં બીજું કશું આનંદદાયક કામ છે ? રેડકાર નગરથી પાછા ફરતી વેળાએ દોરાના મનમાં આવા વિચારો આવવાથી દોરાને ઘરમાં ગોઠતું નહિ. દોરા આવા ઉદ્દેશ રાખી સંસારક્ષેત્રમાંથી નીકળી જાય એ તેના પિતાને ગમતું નહોતું; તેથી સાવધાનતાથી તે આ માર્ગમાં પડતી વિપત્તિઓ એક પછી એક સમજાવવા લાગ્યો; પરંતુ દૈવી ભાવથી પૂર્ણ થયેલી દોરાને વિપત્તિઓના ભયથી પોતાની ઉન્નત ભાવનાઓ પડી મૂકવાનું અને સંસારમાં પડી સર્વના જેવું સ્વાર્થી જીવન ગાળવાનું તેને ગમ્યું નહિ.

અંતે દોરાએ પોતાના ૨૯ મા વર્ષે એટલે સને ૧૮૬૨ માં પોતાના મહાન ઉદ્દેશને લઈને પિતાનું ઘર તજ્યું.પ્રથમ તે ભગિનીસંપ્રદાય સાથે ન જોડાતાં ઉલ્સ્ટન ગામની નિશાળમાં શિક્ષિકા તરીકે દાખલ થઇ. આ કામમાં તેને ઘણો થાડો પગાર મળતો હોવાથી તેના પિતા થોડા થોડા પૈસા મોકલતા રહેતા. ભોગવિલાસ અને આડંબરથી દૂર રહીને ગરીબાઈથી ગુજારો કરવામાં તે અસંતોષ ન માનતાં ઉલટુ ગૌરવ સમજતી. ઘણા સંતોષપૂર્વક તેણે ઉલ્સ્ટનમાં ત્રણ વર્ષ ગાળીને શિક્ષિકાનું કામ ઘણી બાહોશીથી બજાવીને સારૂ નામ મેળવ્યું. પોતે એક નાની સરખી ઝુંપડીમાં રહીને ઘરનું તમામ કામકાજ જાતેજ કરતી. હક્ષોયેલના લોકો તેનાપર જેવી પ્રીતિ રાખતા, તેમ અહીં પણ તેના શાંત સ્વભાવ અને સદ્ગુણથી લોકો મોહિત થઈ ગયા. ધીરે ધીરે હવે તેનામાં સદ્‌ગુણોના વિકાસ થવા લાગ્યો. દોરા જ્યારે વાત કહેતી ત્યારે લોકો ચકિત થઈ તેના મોં સામે જોઈ રહેતા. નાનાં બાળકો તો તેના સ્નેહથી બહુજ હળી ગયાં. બાળકો ભેગાં હોય ત્યારે જાણે કે તે તેમની જ આંખે જોતી હોય અને તેમનાજ કાને સાંભળતી હોય એમ લાગતું. સરળ હૃદયવાળી દોરા જ્યારે બાળક સાથે રમતી ત્યારે તે એક બાળક થઈ જતી. કોઈ વેળા બાળકની પેઠે ફૂદાકૂદ - અને દોડાદોડ કરી મૂકતી, કેાઈ વાર ગધેડાના કે એવા કેાઈ અવાજ