પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
પરિશિષ્ટ

રોગીની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. ડૉક્ટરો ઘણા પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે કામ પાર પાડી શકતા નહિ, ત્યારે ભગિની દોરાને ચિકિત્સાના વિષયમાં મદદ દેવા માટે બોલાવતા. દોરાએ તેમનો સ્નેહ મેળવી ટુંક મુદતમાં અસ્ત્રચિકિત્સામાં ઘણીજ યોગ્યતા મેળવી. હવેથી તેણે વિશેષ ઉમંગથી વૈદ્યનું કામ કરવાની શરૂઆત કરી. ખંત અને પરિશ્રમથી કયું કામ ન થાય ? દોરાની ખંત અને મહેનતમાં કોઈ કસર નહોતી; તેથી તે ઘણીજ હોંશિયાર દાઈ અને વૈદ્ય બની રહી. રોગીના આશ્રમમાં રહી રોગીની સેવા કરવી એ ઘણું મુશ્કેલ કામ છે. મુંબઇની કોઈ હૉસ્પિટલમાં જઈને જોઈએ છીએ તો રોગીનાં દારુણ દુઃખ તથા જખમવાળાં શરીર જોઈ આપણા પ્રાણ કંપે છે. મનમાં એમ થાય કે, અરે આપણે અહીં શા માટે આવ્યા ? કોઇ કોઇ વાર ચિકિત્સા માટે એવા રોગીઓ આવે છે કે તેમને જોવા માત્રથીજ આપણને ભય થાય. કોઇ રોગીનો પગ કાપવામાં આવે છે, કોઇનો હાથ કાપવો પડે છે, કોઇના ગળાનો ભાગ કાપવામાં આવે છે. આ સઘળાં નિષ્ઠુર કામ જોવાથી અંતરના ભાવ કેવી રીતના થાય છે ? પહેલાં તો આ સૌ જોતાંજ પુરુષોને ઘણો કમકમાટ ઉપજે તો સ્ત્રીઓનું તો પૂછવું જ શું ? તેમાં વળી દરરોજ આવું ને આવુંજ જોવામાં આવે તો મનુષ્યનું હૃદય કઠણ થઇ જવાનો પણ સંભવ ખરો. દોરા જે હૉસ્પિટલમાં રહેતી ત્યાં હમેશાં જથાબંધ જખમી માણસો ચિકિત્સાને માટે આવતાં. આ લોકોની પીડા જોઈ તેનુ અંતઃકરણ દુઃખી થતું તથા ભય પામતું. રોગીના દુઃખના પલકારથી પોતાનું હૃદય દુઃખ પામતું તથા તેમનો દેખાવ ભયાનક લાગતો, છતાં પણ દોરા પુરુષોચિત ધૈર્યથી હૉસ્પિટલના ભયાનક સ્થાનમાં એકલી રહી લોકોનાં દુઃખ દૂર કરવા બને તેટલી મહેનત કરતી. આ સિવાય બીજા પણ એક કારણને લીધે દોરા બહાદુર બની હતી. આગળ જણાવી ગયા છીએ કે, દોરાને ધર્મપર અવિશ્વાસ ઉત્પન્ન થયેલ હતો. તેના અંતરમાં પરમેશ્વરના સંબંધમાં જે ઘોર સંદેહ આવ્યો હતો તેથી તેના અંતરમાં ઘણી જ અશાંતિ ઉત્પન્ન થઈ હતી. વાલ્સલમાં તે ઘણી મહેનત લઈ કામ કરતી હતી અને આશા રાખતી હતી કે, વખત જતાં મારો સંદેહ જતો રહેશે. દોરાનાં સગાંવહાલાંએ તેને લગ્ન કરવાનો તથા સંસારધર્મમાં પ્રવેશ કરવાને કહ્યું. ભગિની સંપ્રદાયની બીજી સ્ત્રીઓએ પણ તેને લગ્ન કરવાની