પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
સાધ્વી બહેન દોરા

વિનતિ કરી; પણ દોરા સહેલાઇથી એનો નિશ્ચય કરી શકી નહિ. લગ્ન તરફે તેનું વલણ એટલું બધું નહોતું કે તેને વશ થઈ તે ભગિનીસંપ્રદાયનો ત્યાગ કરે. વિવાહ કર્યા પછી સંસારની સેવામાં આવી રીતે તે પોતાનું જીવન ગાળી શકે કે નહિ, તેનો તે નિશ્ચય કરી શકી નહિ.

તેને માટે બે રસ્તા ખુલ્લા હતા. એક રોગી સાથે જીવતાંસુધી રહી તેમના દુઃખે દુઃખી થઈ તેમની સાથે પોતે પણ આંસુ પાડી, દુઃખ ને ક્લેશમાં રહેવું. અથવા તો બીજો રસ્તો એ કે, લગ્ન કરીને સંસારના સુખદુઃખના તરંગમાં શરીરને વહેવરાવવું. દોરાને પોતાને સંતાન ન હોવા છતાં પણ હૉસ્પિટલમાં જે બાળકો આવતાં તેમને તે પોતાનાં સંતાનવત્ ચાહતી; પરંતુ બીજાનાં પુત્રપુત્રીનું લાલનપાલન કરવામાં તેને પૂર્ણ તૃપ્તિ થતી નહોતી. પુરુષોચિત કઠોર કાર્યમાં પોતાનું જીવન ગાળીને પણ ભગિની દોરા સ્ત્રીસ્વભાવસુલભ હૃદયનો સ્નેહ તથા કોમળતા રાખી શકી હતી એ કેવું અજાયબ જેવું છે !

દોરાને તેના કેટલાક બંધુઓ લગ્ન કરવા વીનવતા અને કહેતા કે, લગ્ન નહિ કરીને તથા સંસારનાં કઠોર કામ માથે લઈને જીવનના કોમળ ભાવોનો નાશ કરે છે. ઈશ્વરે તમારા હૃદયમાં એવી સુંદરતા મૂકી છે કે તમે એક ઉત્તમ ગૃહિણી થઈ શકશો. તેઓ એમ પણ કહેતા કે, તમને મૂર્ખ, દરિદ્ર અને નીચ સ્વભાવના રોગી માણસો સાથે રહેવું શોભતું નથી. જે માણસ હલકા સ્વભાવવાળા સાથે હે છે તેનો ઉત્કર્ષ થતો નથી. રૂડા ચરિત્રવાળાનાજ સમાગમથી રૂડા ચરિત્રવાળા થવાય છે. પરંતુ આ બિચારા જાણતા નહોતા કે દોરાનું બળ અગ્નિસમાન હતું. તેના સમાગમમાં આવનારના ચરિત્રની મલિનતા ઉલટી બળી જતી અને ચરિત્ર શુદ્ધ બની જતું. દોરાના બંધુઓએ તેને ઘણી સમજાવી, પણ તે એકની બે થઈ નહિ. જીવનનું સાર્થક કરવા તેણે પોતાનાં તન, મન અને ધન સૌ ગરીબોની સ્થિતિ સુધારવા અર્પણ કરી દીધાં હતાં. હજીસુધી તેને ઈશ્વરપર આસ્થા નહોતી; પણ એ આસ્થા આવવા માટે સરળભાવથી તે રાહ જોતી હતી. ધીરે ધીરે ઈશ્વર ઉપર તેનો અનુરાગ થયો. જેઓ સરળ હોવા છતાં જેમનામાં વિશ્વાસ નથી હોતો તેમને ભગવાન જલદીથી વિશ્વાસ આપે છે. ભગિની દોરા કાંઈ કુટિલ કે નાસ્તિક નહોતી. ઈશ્વરપરનો વિશ્વાસ