પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
પરિશિષ્ટ

તેણે ગુમાવ્યો હતો, તથાપિ તે સરળ નાસ્તિક હતી. તેનું અંતર સર્વદા ઈશ્વર તરફ નજર કરી જાણે એમ બોલતુ કે “હે દયાળુ ઈશ્વર ! મારો ધર્મ ઉપરનો વિશ્વાસ ઉઠી ગયો છે. આપ કૃપા કરી મને સારે માર્ગે વાળો.” સરળ હૃદયની દોરા નિત્ય આ પ્રાર્થના કર્યા કરતી. આને પરિણામે આખરે તેની નાસ્તિકતા નાશ પામી. દોરા ધીમે ધીમે પોતાના જીવનમાર્ગમાં સ્વર્ગનો પ્રકાશ જોવા લાગી અને તેમ થતાં પોતાનું તનમન સર્વભાવે પ્રભુના ચરણમાં અર્પણ કરવા એટલી બધી વ્યાકુળ થઈ ગઈ કે આખું જીવન કુંવારી રહેવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. ભગિની સંપ્રદાયમાં દાખલ થનારથી લગ્ન ન થાય એમ કંઈ નહોતું. જ્યાંસુધી તેઓ એ સંપ્રદાયમાં રહે ત્યાંસુધી યુથાશક્તિ પરિશ્રમ કરી સંપ્રદાયનું કામ કરે, પર–સેવામાં જીવન ગાળે અને જ્યારે સંસારધર્મમાં પ્રવેશ કરવાની ઇચ્છા થાય ત્યારે આ સંપ્રદાયનો ત્યાગ કરી શકાય, એવો નિયમ હતો. તેથી ભગિની દોરા મરજી હોત તો વિવાહ કરી શકત. પણ જ્યારે ઈશ્વરાનુરાગથી રંગાયલું તેનું અંતર સંસારી જીવન ગાળવા આતુર થયું નહિ, ત્યારે તેણે એવા એકાદા સંપ્રદાયમાં દાખલ થવાનું નક્કી કર્યું કે જેમાં આખી ઉંમરસુધી કુંવારાં રહેવાને બંધાવું પડે. પણ એક વૃદ્ધાના પ્રયત્નથી દોરા તેમ કરી શકી નહિ. એ ડોશીએ ઘણી કોશીષ કરીને ભગિનીસંપ્રદાયમાંજ તેને રાખી હતી.

દોરા હવે દૃઢ સંકલ્પ ધરી પરમેશ્વરની સેવામાં લાગી. તે આ કામમાં એવી તો શાંતભાવે પ્રવૃત્ત થઈ હતી કે હૉસ્પિટલ સ્થાપનારાએ એ વખતની યાદ કરીને કહે છે કે, દોરા જ્યારે હૉસ્પિટલમાં આવી ત્યારે તેને કોઈ ઓળખતું નહોતું. માત્ર ગરીબ દરિદ્રી લોકોજ તેને ઓળખતા; કારણ કે તે તેમને ઘેર જતી, તેમની સેવા કરતી તથા દવા આપતી. બહારનો ઠાઠમાઠ તથા આડંબર એ રાખતી નહોતી તેથી મોટા માણસો એનું નામ પણ જાણતા નહોતા. પરંતુ પ્રભુપ્રીત્યર્થેજ જેણે જીંદગી અર્પણ કરી હોય તેને વળી નામ બહાર પાડવાના ઉમંગ ક્યાંથી હોય ? અને લોકોથી એનું નામ અજાણ્યું પણ કેટલાક દિવસ રહે ?

ઇ. સ. ૧૮૬૬ માં દોરા ઘણી માંદી થઈ ગઈ. પરાયા દુઃખથી દોરાનું અંતર એવું તો દુઃખી થતું કે તેમનું દુઃખ દૂર કરવું અને તેમની સેવા કરવી એ તેના જીવનનું મુખ્ય કામ થઈ રહ્યું.