પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
સાધ્વી બહેન દોરા

મનમાં ને મનમાં દોરા વિચાર કરવા લાગી કે, કોઈપણ રીતે જો રોગીના હાથપગ બચી શકે તો બિચારા મહેનત કરી પોતાનો ગુજારો કરી શકે અને તેમને આટલું સહેવું ન પડે. આથી કોઈ કોઈ વાર તે ડૉક્ટને વિશેષ વિનતિ કરીને રોગીના હાથપગ કાપવા દેતી નહિ અને ઔષધથી સારા કરવા પ્રયત્ન કરતી. આવી રીતે બહેન દોરાએ ઘણા માણસોના હાથપગ બચાવી લીધા હતા. એક જુવાન માણસના હાથ બહેન દોરાએ સારા કરેલા તેનું સુંદર વર્ણન નીચે આપવામાં આવે છે :–

એક દિવસે રાત્રે એક જુવાન કોલસાની ખાણમાં કામ કરતો હતો, તેના હાથ પર કોલસાનું મોટું ઢીમચું પડવાથી ઘણુ વાગ્યું. તેને દોરાની પાસે લઈ ગયા. હાથ કાપી નાખ્યા સિવાય દરદી સારો થશે નહિ એવું ધારી ડૉક્ટરો હાથ કાપી નાખવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ હાથ કાપવાની વાત સાંભળી જુવાનનું અંતઃકરણ ભયથી ધ્રુજવા લાગ્યું, તે બૂમો પાડી રોવા લાગ્યો અને દોરા બહેનને કહેવા લાગ્યો કે, બહેન ! મારો હાથ કપાઈ જશે તો હું કેવી રીતે પેટ ભરીશ અને મારા કુટુંબનું પોષણ શી રીતે કરીશ ? જુવાનનું આ બોલવું સાંભળી દોરાના હૃદયમાં ઘણું દુઃખ થયું. દોરાએ બારીકાઈથી હાથ તપાસ્યો. બિચારો જુવાન ઘડીકમાં સજળ નેત્રે દોરા સામે જોતો તો ઘડીકમાં વ્યાકુળ થઈ ડૉક્ટર સામે જોતો રોતો રોતો કહેવા લાગ્યો કે, બહેન ! તમે મારો હાથ સારો કરો ! મારો ડાબો હાથ કપાઈ જશે તો મારું જીવતર નકામું થઈ જશે. જુવાનની આ અવસ્થા તથા સબળ શરીર જોઇ ડૉક્ટર તરફ જોઇ દોરા બોલી કે “તમે મને રજા આપો તો હું આ હાથ સાજો કરવા મહેનત કરી જોઉં. મને ખાત્રી છે કે, હું કાપ્યા વગર એ હાથ સાજો કરી શકીશ.” ડૉક્ટરે જવાબ દીધો “તમે શું ગાંડાં થયાં છો ? હાથ કાપ્યા સિવાય થોડા દિવસમાં એ સડવા માંડશે અને એક વાર સડવાનો આરંભ થશે તો કેસ ઘણો ભયંકર થઈ જશે.” આ સાંભળી દોરાએ રોગીને પૂછ્યું કે “બેટા ! તું કહેતો હોય તો હું તારો હાથ ઔષધથી સારો કરવા યત્ન કરૂં.” જુવાન માણસ દોરાનુંમધુર વચન સાંભળી ખુશી થયો અને દોરાના હાથમાં પોતાનો દવા કરવાનો ભાર આપવા રાજી થયો.

ડૅાક્ટર સાહેબ આ જોઈ ઘણા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે “વારૂ ત્યારે, તમે આ હાથની દવા કરો. હું એમાં કાંઇ જાણું નહિ.