પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
પરિશિષ્ટ

લઈ ફરતાં ફરતાં તે પાટા બાંધતી અથવા જખમ ધેાઈ મલમ વગેરે લગાડતી. પછી એ બાળકો દોરાનું મધુર ગાન સાંભળી સઘળું દુઃખ વિસરી જઈ સુખે સૂઈ જતાં. કોઈ બાળક સૂતું સૂતું જો એકદમ રોઇ પડે તો તે તરત દોડતી જઈ તેને ખેાળામાં લઈ કહેતી કે “ગાંડા છોકરા ! રોઇશ ના. જો, તારી બહેને તને ખોળામાં લીધો છે.” આવી રીતે છોકરાંને હંમેશાં શાંતિ આપતી. તેમનું રડવું તે કદી પણ સહન કરી શકતી નહિ. તે કહેતી કે, બાળકોનું રોવું સાંભળી જાણે મારું હૃદય ચીરાઈ જતું હોય એમ થાય છે. ઘણી યુક્તિઓ કરી ડહાપણથી દોરા બાળકનું મન રીઝાવી તેમને ખુશ રાખતી. બાળક રોગના દુઃખથી રોતું તો તેની આંખમાં આંસુ આવી જતાં.

બહેન દોરા બાળક પર એટલું બધું હેત રાખતી કે કદાચ બાળક ગાળો દે, અથવા ખરાબ શબ્દ બોલે તોપણ સહન કરતી. એક દિવસ બપોરે બહારના રોગી ઔષધ લઈને ગયા પછી એક બાળક હૉસ્પિટલમાં આવ્યો. તે ઘણો ખૂબસુરત હતો. તેના બે સગા તેને સાથે લઈ દવા કરાવવા આવ્યા હતા. એક મહિના પર તેનો હાથ ભાગી ગયો હતો તે હજી સારો થયો નહોતો અને તેથીજ તેને બહેનની પાસે આણ્યો હતો. દોરાએ પાટો છોડવાનો આરંભ કર્યો કે તરતજ તેણે છૂટે મોઢે હજારો ગાળો દેવા માંડી. એક સગાએ આ સાંભળી બાળકને ધમકાવ્યો અને કહ્યું “ચૂપ રહે, બહેનને આમ ન કહેવાય.” પણ દોરાએ આમ ધમકાવવાની મનાઈ કરી અને આસ્તે આસ્તે દવા લગાડી પાછો પાટો બાંધી ઘેર લઇ જવા તેના સગાને કહ્યું અને ત્યાં ઉભેલા સૌ માણસોને તથા તેના સગાઓને ઉદ્દેશી કહ્યું કે “બાળક આવી ગાળો ક્યાંથી શીખ્યો ? તમોએજ એ બાળકના પવિત્ર હૃદયને કલંકિત કર્યું છે.” દોરાએ ક્રોધથી આ શબ્દો કહ્યા તે સાંભળી સૌ ગુપચુપ શરમાઇ જઈને ત્યાંથી ચાલ્યા ગયા.

વાલ્સલના રોગી આશ્રમમાં ગરીબ માણસો વધારે આવતા. તેઓ એકબીજા સાથે વાત કરતાં એવા તો ખરાબ શબ્દો બોલતા કે જે સાંભળી સારા માણસોને કાનમાં આંગળીઓ દાબવી પડતી; પરંતુ બહેન દોરા આગળ કોઈ ખરાબ વાત કહી શકતું નહિ. ખરાબ માણસ એની પાસે આવતાંજ ગભરાઈ જતો અને ઠઠ્ઠામશ્કરી કરવાની તથા ખરાબ શબ્દો બોલવાની હિંમત કરતો નહિ.