પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
પરિશિષ્ટ

તથા નૈતિક સૌ પ્રકારની નિર્બળતા દૂર કરવા તે પ્રયત્ન કરતી. કંઈ પણ મોટ૫ રાખ્યા વિના તે સૌ સાથે છુટથી હળી જતી. ઉપદેશક છતાં પણ શિષ્યની પેઠે આચરણ રાખતી. કેવો મહદ્‌ભાવ ! આજકાલ ગુરુપદ એવું ગમતું થઈ પડ્યું છે કે શિષ્ય શોધવા દુર્લભ થઈ પડે છે; જ્યારે દોરા પોતે ઉંચા કુળની તેમજ ઉપદેશક હોવા છતાં સામાન્ય લોકો પાસેથી જે કાંઈ શીખવા જેવું હોય તે તેમને ઘેર જઈ શીખી લેતી. પોતે પારકાનું ભલું કેટલું કર્યું તેની ગણત્રી ન કરતાં, પોતાના પર પારકાનો કેટલો ભાર ચઢ્યો છે તેનો તે હમેશાં વિચાર કરતી.

કોમળ હૃદયવાળી દોરાનું અંતર સર્વદા સ્વર્ગીય વિચારો તરફ વળતું. મનને જે ઉપાયથી પ્રભુ પ્રતિ વાળી શકાય તે ઉપાય ચેાજતી. એક દહાડો એક નવ વર્ષની બાલિકાને હૉસ્પિટલમાં લાવવામાં આવી. તેને જીવવાની કાંઈ પણ આશા નહોતી. મોતની છેલ્લી ઘડીએ દોરા માતાની માફક તેને ધીરજ આપવા લાગી અને ધીમે ધીમે પ્રભુના ઘરની વાત તેને સમજાવવા લાગી. તે બોલી “બહેન ! તું એવી જગ્યાએ જઇશ કે ત્યાં કોઇ દુઃખ પડશે નહિ. ભૂખતરસ કાંઈ પણ લાગશે નહિ. તે જગ્યાએ જવા માટે તું તૈયાર થા.” બાલિકાએ બહેનની વાત સાંભળી હર્ષથી તેના મોં તરફ જોઈ સામેના ફૂલ તરફ નજર કરી બોલી “બહેન ! આપ જ્યારે સ્વર્ગમાં આવશો ત્યારે એક ફૂલનો ગોટો લાવી સ્વર્ગના દરવાજાપરથી આપને લઈ જઈશ.” આટલું બોલી બાલિકાએ હસતે ચહેરે પ્રાણત્યાગ કર્યો.

વાલ્સલ હૉસ્પિટલનો એક રોગી બહેન દોરા વિષે જે વૃત્તાંત લખે છે તેમાંથી નીચેની હકીકત આપવામાં આવે છે :–

સને ૧૮૬૯ માં એક ૧૪ વર્ષનો બાળકે લોઢાની ખાણમાં કામ કરતાં ઘણો જખમી થયો હતો. તરતજ તેને હૉસ્પિટલમાં આણ્યો. આ વેળા આશ્રમના સૌ ખાટલા રોકાઈ ગયેલા હતા. ખાટલો ખાલી ન હોવાથી તે બાળકને પાછો લઇ જવા કેટલાક માણસોએ કહ્યું; પણ બહેન દોરાને એ ખબર થતાંજ તે બાળક પાસે ગઈ. બાળકની પીડા જોઈ તેનું હૃદય દુઃખી થયું. તેને પાછો ન મોકલતાં ટેબલ પર બિછાનું કરી ત્યાં રાખ્યો અને સેવા કરવા લાગી. કેટલાક દિવસ પછી જ્યારે ખાટલો ખાલી પડ્યો ત્યારે તેને ત્યાં સૂવાડયો. સવારે તેના શરીર ઉપરનાં વસ્ત્રાદિ સાફ કરતી. રાત્રે