પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
સાધ્વી બહેન દોરા

બે પહોર સુધી જાગી એની સેવાચાકરી કરતી. તેની પાસે એક ઘંટ રાખી મૂકેલો કે જે તે વગાડે કે તરત માતા સમાન દોરા તેની પાસે આવી ખબર પૂછતી. બાળક કોઈ વાર કાંઈજ કહી નહિ શકતાં, માત્ર આંખમાં આંસુ લાવી દોરા તરફ જોઈ રહેતો. અસહ્ય પીડાથી દુઃખી થતો બાળક કોઈ વાર કહેતો કે, હું શું માગું છું તેનું નામ જાણતો નથી. એ સાંભળી દોરા પૂછતી “તારે તકિયો ખસેડું ?” બાળક કાંઇ ન સમજતાં હા કહેતો. વળી થોડી વાર પછી પાછો ઘંટ વગાડી દોરાને બોલાવતો, પણ જ્યારે તે આવીને પૂછતી ત્યારે કાંઈ કહી શકતો નહિ એટલે દોરા તેનો પગ ફેરવતી, હાથ ઠીક કરતી તથા પાસુ ફેરવી આપતી. આવી રીતે રોગીને જેથી આરામ થતો ધારે તેમ કરતી. બાળકની ખરી ઈચ્છા એ કે, દોરા બહેનના મૂર્તિ પાસેથી ન ખસવા દેતાં તેના તરફ જોઇ શાંતિ મેળવવી અને એ હેતુથીજ તે વારંવાર ઘંટ વગાડતો. બાળકનું આવું કૃત્ય જોઈ રોગીઓ બબડી ઉઠ્યા કે, એ ઘંટ એની પાસેથી લઈ લો કે જેથી દોરા બહેનને આપદા પાડતો અટકે. પણ દયાળુ દોરાએ કહ્યું “ભલેને એથી પણ વધારે ઘંટ વગાડયા કરે, હું વારંવાર ઉઠી એની ખબર લઇશ અને એને શાંતિ મળે એમ કરીશ.” આ રોગીને માટે તેનું મન એટલું તો ચિંતાતુર રહેતું કે કોઇ કોઇ વાર તો દોરા રાત્રે એકદમ જાગીને ધારતી કે બાળક ઘંટ વગાડી મને બોલાવે છે. તે પોતે એ રોગીની રુચિ પ્રમાણે ભોજન તૈયાર કરી સ્નેહથી ખવરાવતી. તેની આવી સેવાચાકરી જોઈ અન્યને એમ ભાસે કે એને બીજા કોઈ રોગીની સેવા કરવાની ન હોય ! પણ નવાઇ જેવું એ હતું કે, દરેકે દરેક રોગીને માટે તે આટલી બધી કાળજી રાખી તેમની સેવા કરતી.

રોગીની ચાકરીમાં આટલો બધો પરિશ્રમ લેતી તોપણ કદાચ થાડો અવકાશ મળતો તો તે સમયમાં રોગીનાં કપડાં શીવતી. અથવા સારાં સારાં પુસ્તક વાંચી સંભળાવતી અથવા તો રમતગમત કરી તેમને આનંદ આપતી.

આ સર્વ કામ કરવા છતાં પણ પ્રાર્થના કરવાને તે તત્પર રહેતી. તેની પાસે રોગીની સેવા કરવાનું શિક્ષણ લેવા આવતી સ્ત્રીઓ કેવળ જખમ ધોવાનું, ઔષધ ચોપડવાનું કે એવું કાંઈ હૉસ્પિટલને લગતું કામ શીખીનેજ જતી એમ નહોતું. પરંતુ વિશેષમાં તેઓ એ પણ શીખી જતી કે, જ્યાંસુધી ઈશ્વર તરફ