પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
સાધ્વી રાબેયા

બોલાવીને ઈનામ તથા સરપાવ આપીને વિદાય કરી દીધાં. ગુલામોને તેણે કહ્યું કે “આજ થી તમે ગુલામગીરીમાંથી છૂટાં થયાં છો.” રાબેયાને તેણે કહ્યું કે “રાબેયા ! તારો નિષ્કામ ઈશ્વરપ્રેમ અને આ દુનિયાના જીવો તરફની શુભેચ્છા જોઈને મારા ચિત્તની ભ્રાન્તિ દૂર થઇ છે. હું તારી કૃપાથી સંયમી જીવનની મધુરતા કેવી હોય તે સમજવા પામ્યો છું. આજ થી તને મેં ગુલામીમાંથી મુક્ત કરી છે. તારે હવે બીજું શું જોઈએ છે તે મને કહે. તને ન આપું એવું મારી પાસે કંશુ પણ નથી.”

રાબેયા શરમાઈ જઈને બોલી “શેઠ સાહેબ ! હું નિરાધાર છું. આપના મકાન અને મદદથી જે કલ્યાણ પામી છું તે જોતાં હજુ પણ મને એજ આશ્રય અને ખિદમત કરવાનો અવસર આપો, કાઢી મૂકશો નહિ. એજ વિનતિ છે.”

એ દિવસથી રાબેયા બસરામાંજ સ્વતંત્રતાથી રહેવા લાગી. તેનું નામ “રાબેયા–ઈ–બસરી” પડ્યું. ત્યારથી એ જ્ઞાન અને પવિત્રતા તથા વિનય અને નિષ્કામ ભક્તિને માટે વિશેષ પ્રસિદ્ધિમાં આવવા લાગી. નિરંતર ઉપાસના એ એનો એક અદ્ભુત ગુણ હતો. લોકસેવા કરવાને પણ એ તૈયાર રહેતી હતી. એમ કહેવાય છે કે, પોતાના પિતાને મૃત્યુ વખતે એક પ્યાલો પાણી નહિ પાઈ શક્યાથી તેના મનમાં જે વિષમ વેદના થઈ હતી, તેનું પરિણામ એ આવ્યું કે દેશનાં તરસ્યાં પ્રાણીઓની તરસ છીપાવવા સારૂ તેણે પોતાની જાતમહેનતના પૈસામાંથી બગદાદથી મદિના સુધી એક નહેર ખોદાવી હતી. એ પ્રસિદ્ધ મુસલમાન સાધુ સરિ સકતીની સમકાલીન હતી. હિજરી સન ૧૮૫ ઈ૦ સ૦ ૮૦૧ માં તેનું મૃત્યુ થયું. (જુઓ બીલ સાહેબની ઓરિએન્ટલ બાયોગ્રાફિકલ ડીક્ષનરી)

ઈબ્ન-અલ-જૌજીએ લખેલા શુજર્-અલ્-અકુદ ગ્રંથમાં રાબેયાનું મરણ હિજરી ૧૩પમાં ઇ. સ. ૭૫૨-૫૩ માં થયાનું લખ્યું છે. નામદાર સર અમીર અલી સાહેબે પણ તેમના સરકેસનોની તવારીખ નામના અમૂલ્ય ગ્રંથમાં એજ તારીખ માની છે. ઇબ્ન-અલ-જૌજીએ તેના ‘સાફાત-અસ-સાફાત’ ગ્રંથમાં રાબેયા સંબંધી એક લેખ લખ્યો છે. આબ્દા નામની એક સ્ત્રી રાબેયાની દાસી અને ભગવદ્ ભક્ત હતી. તેણે રાબેયા સંબંધે નીચે પ્રમાણે લખ્યું છે:–“રાબેયા આખી રાત્રિ ઉપાસનામાં ગાળીને