પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
મહાન સાધ્વીઓ

પ્રભાતે અજવાળું નીકળી આવતાં સુધી એજ ઉપાસના મંદિરમાં થોડુંક સૂઈ જતી હતી. દિવસનો પ્રકાશ આંખ ઉપર પડતાંવાર બેબાકળી થઈને પથારીમાંથી ઉઠતી અને બોલતી કે “હે પ્રાણ ! તું ક્યાંસુધી નિદ્રામાં બેભાન પડ્યો રહીશ ? તારી મોહનિદ્રા ક્યારે ભાંગશે ? તારો અનંત કાળની નિદ્રાનો વખત પાસે આવી રહ્યો છે, પછી કિયામતના દિવસ સુધી તારે ઉંઘવાનું જ છે. માટે હમણાં તો જરા ચેતન રાખ !” દેહાંતનો સમય આવતાં રાબેયાએ આબ્દાને પાસે બોલાવીને કહ્યું કે “આબ્દા ! મારા મરણના સમાચાર કોઈને કહીશ નહિ. મરણ પછી આ બુરકો મને ઓઢાડી દેજે.” એ બુરકો ઉનનો હતો. બધા સૂઈ જાય તે વખતે તેને ઓઢીને રાબેયા એકાંતમાં ઈશ્વરની આરાધના કરતી. મૃત્યુના એક વર્ષ પછી આબ્દા સ્વપ્નામાં રાબેયાને જોવા પામી હતી. એ વખતે રાબેયા એવા ઉત્તમ કપડાથી ઝગમગી રહી હતી કે જેની સાથે સરખાવી શકાય એવું કોઈ કાપડ આબ્દાએ આ દુનિયામાં આખી જીંદગીમાં દીઠું નહોતું. પછી આબ્દાએ તેની ખબરઅંતર પૂછ્યા બાદ અબુ કાલ્લાબેની કન્યા ઉબેદાની રાજીખુશીના સમાચાર પૂછયા. રાબેયા એ ઉત્તર આપ્યો કે “તેમના સુખનો તો પારજ નથી. એનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી. અલ્લાહની મહેરબાનીથી એ મારાથી આગળ વધીને સૌથી ઉંચા લોકમાં ગઈ છે.” આબ્દાએ પૂછ્યું કે “એવું શાથી થયુ ? આ દુનિયામાં તો બધા લોકો તમને ઘણી બાબતોમાં સૌથી સારાં ગણતા હતા ?” રાબેયા બોલી

"એનામાં મોટો ગુણ એ હતો કે, એને ભવિષ્યની ચિંતા નહોતી. પરમાત્મામાં એને એટલી બધી શ્રદ્ધા હતી કે ઘડી પછી શું થશે તેની ફિકર એને કદી પણ થઈ નથી. એને લીધે જ એણે શ્રેષ્ઠતા મેળવી છે. ”*[૧] ત્યારે આબ્દા બોલી “મને ઈશ્વરપ્રાપ્તિનો રસ્તો બતાવો.” રાબેયાએ કહ્યું “નિષ્કામભાવે (કોઈ પણ પ્રકારની દુનિયાઈ ઈચ્છા નહિ રાખતાં માત્ર પ્રભુની કૃપા માટેજ) હમેશાં પ્રભુનું સ્મરણચિંતન કર્યા કરજે. એથી તને પરમકલ્યાણ મળશે.”


  1. *ચૈતન્યદેવનો સંન્યાસ પણ એવાજ પ્રકારની ભવિષ્યની ચિંતાથી બચેલો હતો. તેમના સેવક ગાવિંદ ઘોષે આવતી કાલને સારૂ એક હરડે સંઘરી રાખી હતી. એ સંચય બુદ્ધિને સારૂ ચૈતન્યદેવે તેને ઠપકો દઈને પાછો ગૃહસ્થાશ્રમ માંડવાની ફરજ પાડી હતી.
    (બંગ ભાષા અને સાહિત્ય-રપ૬ પૃષ્ઠ)