પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
પરિશિષ્ટ

ઉભી રહીને પેલી સ્ત્રીઓ તરફ જોવા લાગી. રોવા જેવા અવાજથી પેલા પુરુષને તે કહેવા લાગી કે “કહો જોઈએ, આજે તમે મારી સાથે આવી રીતે કેમ વર્તો છો ? તમારો આવો ભાવ આજે હું કેમ જોઉં છું ? કેટલાક દિવસપર તમે માથે જખમી થઈ મારી પાસે આવ્યા હતા ત્યારે તમે મને શું કહ્યું હતું ?” તે હતભાગી પિશાચ આ સાંભળી ક્રોધથી ગાળો દેતા બોલી ઉઠ્યો “તે સૌ વાત હમણાં પડતી મૂકો, તમારે શું જોઈએ છે તે જલદી કહી દો.” બહેને કહ્યું “હું માગું છું તે હમણાં કહું છું.” આટલું બોલી તેણે ઓરડામાં પ્રવેશ કર્યો અને બધી સ્ત્રીઓને નમસ્કાર કરીને દરેક સાથે વાત કરવા લાગી. એ સ્ત્રીઓ તેને ઓળખતી હતી. કારણ કે હૉસ્પિટલમાં બહેન દોરા પાસે રહેલી હતી. વળી પાપાત્મા છેવટે એવા કાયર થઈ જાય છે કે પવિત્રતા ને ધર્મ આગળ કદી પણ માથું ઉપાડી શકતા નથી. જો તેમ ન હોત તો શું આજે દોરા બહેન આ નરકસ્થાનમાંથી જીવતી જાત ? માનવપાષાણ ધર્મબળ આગળ તૃણ જેવો છે. બહેન દોરાનું તેજ પણ એવું હતું કે તેની તેજસ્વી આંખમાંથી ઝરતા અગ્નિના તણખા આગળ પાપીઓ જડ જેવા બની જતા અને તેથીજ તેઓ રાક્ષસી હોવા છતાં તેના આગળ પરાજય પામ્યા. રાક્ષસ જેવાં આ મનુષ્યો મંત્રમુગ્ધ સર્પની માફક આશ્ચર્યથી જોવા લાગ્યાં. આવો દેખાવ જોઈ દોરા બોલી “આવો, આપણે સૌ ઘુંટણીએ પડી પરમેશ્વરની પ્રાર્થના કરીએ.” એટલું કહે છે એટલામાં તો આશ્ચર્ય ! આ દુરંત રાક્ષસોનું દલ ઘુંટણીએ પડ્યું. બહેન દોરાએ ઘણાજ વ્યાકુળ હૃદયે ઉંચે સ્વરે રોઈ પરમેશ્વરની આગળ તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરી. કેવી સુંદર છબી! નરકની અંદર સ્વર્ગનો દેખાવ આમજ જોવાય છે. પાદરીઓ તો એ દેખાવ જોઈ છકજ થઇ ગયા. ખરા અંતરથી જ્યારે પ્રાર્થના થાય છે, મનુષ્યનું હૃદય અસાધારણ લાગણીથી ઉભરાઈ જે પ્રાર્થના આંખના પાણી સાથે બહાર આવે છે, તેનું ફળ પણ અતિ આશ્ચર્યજનક થાય છે; કારણ કે આવી પ્રાર્થનાથી ઇંદ્રનું સિંહાસન પણ કંપી ઉઠે છે. તેથી જ આજે બહેન દોરાની વ્યાકુળ પ્રાર્થનાથી આ રાક્ષસ જેવાં સ્ત્રીપુરુષના હૃદયમાં ઈશ્વરકૃપા પવિત્ર પ્રસાદરૂપે વસી ગઈ. તેઓ પોતાના અપરાધથી શરમાઇ જઈ બહુ નમ્રભાવે બહેન દોરા તરફ જોઈ બોલ્યાં કે “અમે