પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
પરિશિષ્ટ

તેણે રાત્રિની દોરા બહેનની હિંમતનું કામ જાણ્યું ત્યારે તે અજબ થઈ બોલ્યો કે, આજ ખરેખરૂં કામ છે ! એમાંજ વીરત્વ છે. ગમે તેમ હોય પણ તેના જીવનમાં આ એક નવો વ્યાપાર જણાયો. ભગિની દોરા આખી ઉંમરમાં બીજું કાંઈ કામ ન કરત તોપણ તેના આ કામથી તેનું જીવન ધન્ય તથા નામ અમર થઈ રહેત. ગરીબ, મૂર્ખ કે અનીતિએ ચઢેલાં માણસો માટે થોડાંક જણ વિચાર કરે છે. મનુષ્યો જેમનું ભલું કરવા ઈચ્છતા હોય તેઓ જો તેમની વાત સાંભળતા હોય તો ભલું કરનારાઓને પેાતાને કામ કરવાનો ઉત્સાહ ઉપજે છે, પણ જ્યાં શિખામણ આપવા જતાં અપમાન પામવાનો અથવા પ્રાણ ગુમાવવાનો ભય હોય ત્યાં કામ કરવું કેવું કઠણ છે, એ સહજે સમજાય એવું છે. આવી રીતે એક દિવસ નહિ પણ ઘણા દિવસ સુધી તે રાત્રે ખરાબ મહોલ્લાઓમાં ભયંકર જગ્યાએ દુષ્ટ લોકોને ત્યાં જઈ તેમને ભગવાનનું નામ સંભળાવતી અને સદુપદેશથી તેમને સન્માર્ગ ઉપર લાવવા યથાયોગ્ય પ્રયત્ન કરતી. ધર્મથી તથા નીતિથી ભ્રષ્ટ થવામાં વધારે વખત લાગતો નથી, પણ પાપમાર્ગથી સારા માર્ગમાં લાવવાને શ્રમ,સમય અને ખંતની ઘણી જરૂર રહે છે.

દોરા કંઇ ઉપલા એકજ કામથી અનેક માણસોને પુણ્યના માર્ગ પર લાવી શકી હતી એમ નહોતું. એક બાજુથી તેને એવા કાર્યમાં પગલે પગલે અડચણ પણ ઘણી પડતી હતી. રાત્રે પ્રાણહાનિની આશંકા હોય છતાં પણ ઘણી વાર બહાર નીકળતી અને તેના પરિણામે કાંઈ દર વખતે સંખ્યાબંધ માણસો સન્માર્ગ તરફ વળી જઈ સફળતા મળતી નહોતી. છતાં પણ દોરા એથી કાંઈ પ્રયત્નમાં મોળી પડતી નહિ ! જે નરનારીઓ પોતાનો ઉપદેશ સાંભળી સુમાર્ગે ચઢતાં તેમને જોઇએ તેવી મદદ આપતી તથા તેમના કષ્ટનિવારણ માટે બનતું કરતી.

બહેન દોરા ગાડીવાન વગેરેને પણ સુમાર્ગે વાળવા યત્ન કરતી હતી. તેમને દારૂ પીને રસ્તામાં ભટકતા જોઈ તેનુ કોમળ હૃદય ઘણીજ પીડા પામતું. તેની ઘણીજ મહેનતથી કેટલાક કમભાગીઓ સારે માર્ગે વળ્યા હતા. એમાંથી એક વૃદ્ધ ગાડીવાન તેના પર ઘણો પ્રેમ રાખતો હતો. તેણે એક વાર બહેન દોરાને કહ્યું હતું કે, બહેન ! તમારે ક્યાંઇ જવું પડે તો મારી ગાડી મંગાવજો; પણ એટલી શરત કે, તમને વાલ્સલમાં જ્યાં કહેશો ત્યાં લઇ જઇશ.