પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
સાધ્વી બહેન દોરા

.વાલ્સલ છોડી બીજે રહેવા જશે તો કયાંય પણ લઈ જઈશ નહિ.” અહા કેવો પ્રેમ ! બહેન દોરા પેાતાનું નગર છોડી જાય એ વૃદ્ધથી સહેવાતું નહોતું. આમ ગાડીવાન, મજૂર, કોળી વગેરે દોરાને ઓળખતા હતા તથા તેના પર સ્નેહ રાખતા. બહેન જાણે પોતાના કુળમાં જન્મી હોય એમ તેમને લાગતું હતું. તેના પુરાતન રોગીઓ દોરાને માતાસમાન ગણતા અને પોતે તનમન ને ધન અર્પણ કરવા સર્વદા તૈયાર રહેતા.

સ્વામી અને સ્ત્રીમાં વિવાદ થતો તો બહેન દોરા તેમનો વિવાદ મટાડવા ત્યાં જતી. એક વાર એક કુટુંબના યુવાને એક બાલિકા સાથે લગ્ન કર્યું. કોઈ કારણથી યુવકનાં માબાપના મનમાં પાછળથી શંકા થઈ કે, પોતાના પુત્રની ઉન્નતિના માર્ગમાં આ બાલિકા વિદનકર્તા થઈ પડશે. આ યુવકનું રહેઠાણ વાલ્સલથી દૂર હતું, પણ કોઈ કારણને માટે આ નગરમાંજ તેને થોડો સમય રહેવું પડયું. પેલી બાળાએ દોરાને ઉદાર અને નિઃસ્વાર્થ જોઈ પોતાની વાત જણાવી. આથી તેણે પ્રયત્ન કરી બેઉનાં મન સાંધ્યાં ! થોડા દિવસ પછી જાણે તેઓ નવું જીવન અનુભવવા લાગ્યાં. અહા તેના નિઃસ્વાર્થ ચરિત્રનો કેવો આશ્ચર્યકારક પ્રભાવ !

એક વાર બેન્સી નામની સ્ત્રીનો પગ ભાંગી ગયેા હતો. બહેન દોરા તેને ઘેર જઈ તેના પગની દવા કરતી હતી. સ્ત્રીનો સ્વભાવ સારો નહોતો. દોરા તેને સુધારવા પ્રયત્ન કરવા લાગી. એક દિવસ બપોરે બહેન તેને ઘેર જઈ બારણું ઠોકવા લાગી. પરંતુ કાંઈ જવાબ મળ્યો નહિ. એટલામાં કેટલાક માણસો ગડબડ મચાવતા બહેનની મશ્કરી કરી બોલ્યા “ બેન્સી ફરવા ગઇ છે." કોઇએ કહ્યુ "બહેન ! બેન્સી તેના મિત્રોની સાથે રહે છે, હું તમને તેના વિષે સર્વ કહું છું'.” બનાવ શો બન્યો છે તે જાણવા દોરાએ સૌને પુછ્યું પણ કોઈએ જોઇએ તેવો જવાબ આપ્યો નહિ. અંતે ઘણીજ ગડબડ પછી તે જાણી શકી કે, બેન્સીનો પગ સારો થવાથી તે સહેજ ફરવા ગઈ હતી. અને રરતામાં એક દુકાનદારને ત્યાં સારું પાટલૂન લટકાવેલું જોઈ તે ચોરવાની ઇચ્છા થઇ આવી. કોઈ માણસ જુએ નહિ તેમ ચડપ લઈને તેણે પાટલૂન બગલમાં મારી દીધું; પણ દૂરથી એક છોકરો લપાઈને આ બધું જોયા કરતો હતો તેણે સિપાઈને બોલાવી તેને પકડાવી અને બેન્સીબાઈ વગર ભાડાની કોટડીમાં બિરાજ્યાં !