પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
પરિશિષ્ટ

ઘણા માણસોને મોઢે બેન્સીની આ વાત ચાલી રહેલી જોઈ તેમને ઉપદેશ કરવાનો ઠીક લાગ જોઇ દોરા બહેન એકદમ એક ખાલી ગાડી પર ઉભી રહી બોલવા લાગી કે એક વાર એક માણસ પોતાની નાની ઉંમરના છોકરાને લઈ ખેતરમાં થઈને જતો હતો. તે ખેતરમાં સારાં પાકેલાં ફળ જોઈ તેની દાઢ સળકી અને પોતાના છોકરાને કહેવા લાગ્યો કે “બેટા ! આ લાગ ફળ ઉડાવવાનો ઠીક છે. કોઈ આપણને જોતું નથી, તારે જોઈએ તેટલાં એકઠાં કરી લે.” તે બુદ્ધિવાન બાળકે જવાબ દીધો “પિતાજી ! તમે એક બાજુએ જોવાનું તો મૂકીજ દીધું છે તે જુઓ તો જણાશે કે, એક માણસ આપને સારી પેઠે જોયા કરે છે.”

બાપે કહ્યું “ક્યાંથી જુએ છે?” છોકરાએ ઉંચી આંગળી બતાવી કહ્યું ‘તમે ઉપર જોતા નથી? તે તરફ જુઓ તો આપણને જોતો એક નજરે આવશે.” આવી રીતે બેન્સીએ જો ઉચે જોયું હોત તો પાટલૂન ચોરવાની હિંમત કરત નહિ. એકઠા થયેલા માણસો આ સાંભળી ઘણાજ ખુશ થયા. પછી દોરા ગાડી પરથી ઉતરી કેદખાનામાં ગઈ અને બેન્સીને તે ઉપદેશ આપ્યો.

દર રવીવારે હોસ્પિટલમાં ઈશ્વરપ્રાર્થના કરવાની તૈયારી કરવામાં આવતી. રસ્તાપરના ગાડી હાંકેનાર, કોળી, મજુર, કોલસા ખોદનાર વગેરે એ રવીવારની વાત હજી પણ યાદ કરે છે અને આનંદ પામે છે. વાર-તહેવારે દોરા જૂના રોગીઓને પણ ખેાળી ખેાળીને આણતી અને તેમને તથા આશ્રમના રોગીઓને એકઠા કરી સારું સારૂં ખાવાનું આપતી. ખવડાવ્યા પહેલાં અને પછી સારાં સારાં પુસ્તકો વાંચી સંભળાવતી અથવા ઉપદેશ આપતી; પણ સૌથી પહેલાં અત્યંત ભક્તિથી ઇશ્વરની પ્રાર્થના કરતી. મૂર્ખ અને દરિદ્રમાણસો પણ ધણા ઉત્સાહ અને આનંદથી આમાં જોડાતાં.

આપણામાંના ઘણાખરા ડાહીડાહી વાતો કરનારા હોય છે. શાસ્ત્રના સારા સારા ઉપદેશ કહી બતાવનારા પણ અનેક હોય છે. મોટી મોટી વાતો કરનારાનો તોટો નથી, પણ પોતે શી રીતે વર્તે છે તે જોતા નથી. બહેન દોરા પાસે એવાં ઘણાં માણસો આવતાં હતાં કે જેઓ ધર્મને માનતાં નહોતાં. ધર્માત્મા પુરુષોની ઉલટા તેઓ મજાક કરતા. આવા દુષ્ટ માણસો પણ દોરાનો પ્રેમ તથા તેનું માહાત્મ્ય જોઈ તેને દેવી તરીકે માનતા અને ઘણા તો તેના ઉત્તમ જીવનથી ધર્માત્મા થયા હતા.