પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
મહાન સાધ્વીઓ

નામનો ગ્રંથ સાધુઓના જીવનચરિત્ર વિષેનો લખ્યો છે. તેમાં એમણે રાબેયાના પવિત્ર જીવનનો યશ ગાયો છે. એ ગ્રંથનો ગુજરાતી અનુવાદ 'સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય' તરફથી ‘મુસ્લીમ મહાત્માઓ’ નામથી પ્રગટ થયો છે. આ ગ્રંથમાંથી અમે સાધ્વી રાબેયાના જીવનના થોડાક બોધજનક પ્રસંગો ઉતારવા ઉચિત ધારીએ છીએ. કારણ કે એ પ્રસંગો જાણ્યા વગર રાબેયાનો પરિચય અધુરો રહે એમ અમારું માનવું છે.

(૧)

મહર્ષિ હુસેન નામના એક પહોંચેલા સાધુ એમના સમયમાં હતા. અઠવાડીઆમાં એક દિવસ તેઓ શ્રોતાઓને ધર્મોપદેશ આપતા. રાબેયા પણ એમનો ઉપદેશ સાંભળવા જતી. એક વાર એને જતાં વાર થઈ તે મહર્ષિએ ઉપદેશ શરૂ કર્યો નહિ; એથી આશ્ચર્ય પામીને કોઈએ પૂછ્યું કે “અહીં આ શ્રેાતામાં અનેક જ્ઞાનીઓ તથા મોટા માણસો ઉપદેશ સાંભળવા આવી બેઠા છે; માત્ર એક પેલાં વૃદ્ધ ડોશી નથી આવ્યાં, તો હવે આપ આપનું વ્યાખ્યાન શરૂ કરો તો શી હરકત છે ?” મહર્ષિએ ઉત્તર આપ્યો કે “જે શરબત હાથીના ઉદરને માટે તૈયાર કરેલું છે, તે હું કીડીની આગળ મૂકી દઈને શું કરું ?”

(૨)

એક દિવસ સાધુ હુસેને રાબેયાને પૂછ્યું કે “તમને વિવાહ કરવાની અભિલાષા છે ?" રાબેયાએ જવાબ દીધો કે “વિવાહ તો શરીર સાથે થાય છે, પણ મારી પાસે શરીરજ ક્યાં છે? આ શરીર તો ઇશ્વરને અર્પણ કરેલું છે, એટલે તે તો તેનીજ આજ્ઞાને અધીન છે અને તેનાજ કાર્યમાં રહે છે, તો હવે વિવાહ કયા શરીરનો કરું ?”

(૩)

રાબેયા એક વાર વસંતઋતુમાં પેાતાની ઝુંપડીમાં જઈને સ્વસ્થપણે બેઠાં હતાં. તે વખતે દાસીએ તેમને કહ્યું કે “બા ! બહાર પધારીને કુદરતની શોભા તો જુઓ.”

રાબેયા:- “તું એકવાર અંદર આવી કુદરતના કર્તાની શોભા તો જો !”

(૪)

એક વાર એક માણસ માથે પાટો બાંધીને રાબેયા પાસે આવ્યો. રાબેયાએ તેને પૂછ્યું કે “શા માટે આ માથે બાંધ્યું છે ?”

તે બોલ્યો:- “માથું દુઃખે છે માટે.”