પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

અમારા ધર્માધ્યક્ષે તેમને દેશનિકાલ કરી હતી, પણ એક દિવસે જોનની માતા ત્યાંથી પસાર થતી હતી, ત્યારે તેણે તે પરીઓને છુપી છુપી નાચતાં જોઇ. તેણે એ વાત આખા ગામમાં કરી. આથી પાદરી ગુસ્સે થયા અને જંતર-મંતર કરી પરીઓનો વિનાશ કરવાનો વિચાર કર્યો.

અમે પરીઓના મિત્ર હતા. અમે પાદરીને ઘણી ઘણી વિનતિ કરી, પણ તે એકના બે થયા નહિ. અમે બુદ્ધિશાળી નહોતાં; અમારામાં વિદ્વત્તા પણ નહોતી. તે દિવસે જોનનું માથુ ચઢ્યું હતું અને સહેજસાજ તાવ આવી ગયો હતો; તોપણ અમે તેના બિછાના આગળ દોડી જઈ કહ્યું: “ઉઠ, ઉઠ, જોન ! પરીઓને બચાવ. તારા સિવાય આ કાર્ય કોઈ પણ પાર પાડી શકશે નહિ.”

પણ જોનનું મન ભમતું હતું. અમારાં વેણ તે ન સમજી શકી. બાજી હાથથી ગઇ હતી. શું આ અમારા દેવાંશી મિત્રોનો વિનાશજ થવાનો ?

આજ અમે બહુ દુ:ખી હતાં, કારણ કે પાદરીએ પરીઓને દેશનિકાલ કરી હતી. અમે બહુજ શોકાતુર થયાં.

જ્યારે જોન સાજી થઈ, ત્યારે પરીઓના દેશનિકાલની વાત તેણે સાંભળી. તે ઘણી ક્રોધે ભરાઈ ગઈ. એકદમ પાદરી પાસે જઇ વંદન કરી તેણે કહ્યું:–

“પરીઓને તમે દેશનિકાલ કરી, એનું કારણ બીજાઓને તેમણે દર્શન દીધું, એજ ને ?”

“હા.”

“અર્ધી રાત્રે જો કોઈ માણસ બીજાના ઘરમાં છુપો છુપો જાય અને જો સામો માણસ અર્ધનગ્નાવસ્થામાં હોય, તો તમે એમ કહેશો કે તે માણસ નગ્ન થઈ પેલાને પોતાનું શરીર બતાવતો હતો ?”

“નહિજ.”

“જે કાઈને પાપ કરવાની ઈચ્છા ન હોય અને તેનાથી પાપ થઈ જાય, તો તેને શું પાપી કહેવો ?″

પાદરીએ પોતાનો દોષ કબૂલ્યો, અને શાંત પડવા કહ્યું, પણ જોન ઝાર ઝાર ૨ડવા લાગી.

“ત્યારે સાહેબ ! પરીઓનો શો દોષ હતો ? કોઈ પાસેથી નીકળી તેમને અચાનક જોઈ જાય, તેમાં તે બાપડીઓનો શું વાંક?”

જોનનો અશ્રુપાત વધતા ગયો.