પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
પરિશિષ્ટ

સાંકળે બાંધતી નહિ કે ગલપટા જેવી નજીવી વસ્તુઓ પણ પહેરાવતી નહિ. પોતાની મેળે આવે તો ભલે આવે, અને ચાલ્યું જાય તોપણ પોતાની મેળે ભલે ચાલ્યું જાય. આ વખતે એક ખિસકોલીનું બચ્ચું તેના ખભાપર બેઠું હતું, અને આનંદમાં ને આનંદમાં પૂછડી હલાવતું ચેસ્ટનટનું ફળ ફોલી ફોલીને ખાતું હતું.

બધું આનંદમય હતું, એટલામાં કોઇએ બારણું ખખડાવ્યું. બહાર કોઈ વટેમાર્ગુ હતો. બારણું ખખડાવી તે અંદર આવ્યો, પગ ખંખેર્યા અને બારણું બંધ કર્યું. તેનું આખું શરીર બરફથી ભીંજાઈ ગયું હતું. પછી તેણે આનંદથી ચારે તરફ જોયું. અન્ન ઉપર થોડીક વાર આંખ ઠેરવી; અને અમને વંદન કરી કહ્યું કે, જેને પ્રભુ ઉદર પૂરતું ખાવા આપે છે, રહેવા માટે ઘર આપે છે અને હૈયું ખાલી કરવા સ્નેહીઓ આપે છે તેના જેવું સુખિયારું કોઈ નથી.

કોઈ કંઈ બોલ્યું નહિ. તે બિચારો ગુંચવાડામાં ત્યાં ને ત્યાં ઉભો રહ્યો. કોઈના મોં ઉપર સત્કારની છાયા માલુમ પડી નહિ કોઈએ તેના તરફ પરોણા–ચાકરીની રીતિએ સ્મિત કર્યું નહિ.

એકાએક તેના પિતાના અવાજ સંભળાયો:– “બેસી જા.”

જોન ઑફ આર્કની ઉદ્ધત વર્તણુંકથી તેનો પિતા તેના ઉપર ગુસ્સે થયો. પરિણામે તે વટેમાર્ગુ આશ્ચર્યચકિત થયો, કારણ કે જોન તેની પાસે અન્ન લઈને ઉભી હતી. પછી તે અજાણ્યો માણસ બોલ્યો :-

“પ્રભુ તારું રક્ષણ કરો, દીકરા !”

બીકથી તેણે અન્ન ન લીધું અને એમ ને એમ ઉભો રહ્યો.

“જોન ! સાંભળે છે કે? કહું છું કે બેસી જા !”

જોનને વશ રાખવી, એ સહેલી વાત હતી; પણ આ વખતે તે વશ થઈ નહિ. તેના પિતામાં તેને વશ કરવાની કળા નહોતી. જોને કહ્યું:- “પિતાજી ! તે ભૂખ્યો છે !”

“એમ હોય તો ભલે તે કામ કરે. શુ આપણે ભીખારીઓને આપણું આખું ઘર ખવરાવી દઈએ ? એ કોઈ બદમાસ હશે. કહું છું કે બેસી જા !”

“તે બદમાસ હોય કે નહિ તેની મને પરવા નથી. તે ભૂખ્યો છે, અને તેને અન્ન જોઇએ છીએ.”

“જોન ! તું કહ્યું નહિ માને ? જોન !”

ગુસ્સે થયેલા પોતાના પિતા આગળ જોન બોલી:–