પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
સાધ્વી રાબેયા

રાબેયા-“તમને કેટલામું વર્ષ ચાલે છે ?”

તે બોલ્યો- “ત્રીસમું વર્ષ.”

રાબેયા- “આટલાં વર્ષ તમે સ્વસ્થ હતા કે અસ્વસ્થ ?”

તે બોલ્યો-“આજસુધી તો હું શરીરે તંદુરસ્તજ હતો.”

રાબેયા- “ત્યારે આટલાં વર્ષ સુધી કૃતજ્ઞતાની નિશાનીરૂપે તમે માથે કાંઈ બાંધ્યું નહિ, પણ એક દહાડો અસ્વસ્થ થયા ત્યારે શોકની નિશાનીરૂપજ માથું બાંધ્યું ને !”

(૫)

એક વાર બે ફકીરો ફરતા ફરતા રાબેયાનાં દર્શન કરવા ગયા હતા. તે ભૂખ્યા હતા એટલે માંહોમાંહે વાત કરવા લાગ્યા કે “જો કાંઇ ખાવાનું મળે તો આહાર કરીએ.” આ વખતે રાબેયાની પાસે બે રોટી હતી, તે તેણે ફકીરો પાસે હાજર કરી, પણ એટલામાં એક ત્રીજોજ ભિક્ષુક ત્યાં આવીને ખોરાક માગવા લાગ્યો. રાબેયાએ તે બંને રોટી તેને આપી દીધી. પેલા બે ફકીરો આ પ્રકાર જોઇને બહુજ આશ્ચર્ય પામ્યા. એ પછી થોડી વારે કેટલીક રોટી હાથમાં લઈને એક દાસી રાબેયા પાસે આવી અને તેણે કહ્યું કે “મારી શેઠાણીએ આ આપને આપવા મને મોકલી છે.” રાબેયાએ તે જોઇ ગણત્રી કરી તો અઢાર રોટી જણાઈ. તેથી પેલી દાસીને કહ્યું કે “એ પાછી લઈ જાઓ, મોકલવામાં ભૂલ થઈ છે."

દાસી બોલી “બા ! શેઠાણીએ આપનેજ આપવા માકલી છે.”

રાબેયા- “નહિ નહિ, ચોક્કસ ભૂલ થઇ છે; પાછી લઇ જાઓ.”

દાસીએ પાછી લઇ જઇ તેની શેઠાણીને એ હકીકત જણાવી. શેઠાણીએ તેમાં બે રોટી ઉમેરીને દાસીને આપવા મોકલી. રાબેયાએ ગણી જોઇ તો વીસ રોટી જણાઈ. તેણે તે સ્વીકારી અને પેલા બે ફકીરો આગળ રજુ કરી. તેમણે ભોજન કરતાં આ બનાવનું રહસ્ય પૂછ્યું. રાબેયાએ કહ્યું કે “તમે બંને ભૂખ્યા હતા તે હું જાણી ચૂકી હતી, મારી પાસે માત્ર બેજ રોટી હતી, તેથી મને એમ લાગ્યું કે આટલી રોટીથી આપ બે સંતોની ક્ષુધા કેવી રીતે દૂર થશે ? એટલામાંજ પેલો ભિક્ષુક આવી ચઢ્યો, એટલે એ બંને રોટી મેં તેને આપી દીધી અને પ્રાર્થના કરી કે “હે પ્રભુ ! તેં કહ્યું છે કે હું દાનથી દશગણું પાછું આપું છું, એની મને શ્રદ્ધા છે; અને તેથી હમણાંજ આપના સંતોષ ખાતર તે બંને રોટીનું દાન કર્યું છે.”