પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
પરિશિષ્ટ

કટકે કટકે મનમાં વાક્ય બોલાતાં હોય એમ તેના હોઠ થોડા થોડા હાલતા હતા.

બીજી વખત બીજીજ વાત ઉપડી. જો અમારામાંથી કોઈ યુદ્ધમાં વિજયી થઈ રાજાની મહેરબાની મેળવે, તો તેણે શું માગવું ? એ વિષે ચર્ચા ચાલતી હતી. બધા મજાકમાં ઉત્તર આપતા હતા; અને પોતાની પહેલાં જે બોલતું, તેથી વધારે માગણી કરતા. જ્યારે જોનનો વારો આવ્યો ત્યારે તેને વિચારગ્રસ્ત મનમાંથી જગાડી તેનો અભિપ્રાય પૂછ્યો. બધા તેને ગંભીરતાથી પૂછે છે, એમ સમજી જોન બોલી :– “જો કુંવરશ્રીના બધા મનોરથ પરિપૂર્ણ થાય, અને જો તેમની મહેરબાની મારા ઉપર ઉતરે, તો સદાકાળ આપણા ગામનો તે કર માફ કરે, એવું હું માગું.”

જવાબ એવો તો સાચો અને સચોટ હતો કે આ વખતે અમે હસ્યા નહિ. અમે બધા વિચારમાં પડી ગયા. હા, અમે એ વાત હસી ન કાઢી. એવો પણ એક વખત આવ્યો કે અમે એ વાત ગર્વથી સંભારતા. અહા ! તેના એ શબ્દ કેટલા પ્રમાણિક હતા ! જ્યારે તે વિજયી થઈ, ત્યારે તેણે પોતાનો બધો સ્વાર્થ ત્યજી પોતાનું એ વચન બરાબર પાળ્યું.

(૭)

ચૌદ વર્ષ સુધી જોન એટલી ખુશાલીમાં રહેતી કે વાત નહિ. આખા ગામમાં તેના જેવું આનંદી છોકરું કોઈ નહોતું. તે આખો દિવસ ખડખડ હસ્યા કરતી. ઉપરાંત તેઓ સ્વભાવ મનોરંજક હતો, તેથી તે આખા ગામનું રમકડું થઈ પડી હતી. તેને દેશદાઝ ઘણી હતી. અમારા પરાજયના સમાચાર મળતાં તેને દુ:ખ થતું, અને કોઇ કોઇ વેળા આંખમાં આંસુ આવી જતાં; પણ થોડાજ વખતમાં તે પાછી આનંદિત થઇ ખડખડાટ હસવા લાગતી.

પણ હવે દોઢ બે વર્ષથી આ બધું ફેરવાઈ ગયું હતું. તેની પ્રકૃતિ શોકાતુર મટીને અતિશય ગંભીર થઈ ગઈ. તે આખા દિવસ ભ્રમણાઓમાં અને સ્વપ્નાંઓમાં ગાળતી. હવે આખું ફ્રાન્સ તેની છાતી ઉપર હતું, અને તેનો બોજો કંઇ ઓછો નહોતો. હું જાણતો હતો કે તેની વ્યથાનું કારણ એજ છે

ગયા પ્રકરણમાં વર્ણવેલી વાત થઈ ગઈ, તેને બીજે દિવસે દરરોજની માફક ફ્રાન્સની સ્થિતિ ચર્ચાતી હતી. જોનને મોઢે ફ્રાન્સ માટે હું સારી આશાઓ દર્શાવતો, પણ હવે મને જણાયું