પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક


આત્મબળવડે અને દૃઢ નિશ્ચયે તેના મન ઉપર બહુજ અસર કરી. ઘણી વાર એવું બને છે કે કોક મશ્કરી કરવા આવે છે; પણ તેઓ મશ્કરી કરતાં કરતાં એટલા બધા લેવાઈ જાય છે, કે અંતે નમી પડી પૂજા કરવા મંડી પડે છે.” મેટઝની મુખમુદ્રા તેથીજ ગંભીર બની હતી અને તે છેલ્લે સુધી ગંભીર રહી.

“ત્યારે શું તારે થોડાજ દિવસમાં રાજાજી પાસે જવું જોઈશે?”

“થોડાજ દિવસમાં–થોડાજ દિવસમાં. મારા પગનાં તળિયાં ઘસાઈ જાય, તોપણ મારે તો જવું જ છે અને જઈશ.”

તે ઉમરાવના ચહેરા ઉપર એકજ નજર નાખ્યાથી પ્રત્યુત્તર સમજી શકાતો હતો. તેની આંખો ચળકવા લાગી. એ આંખમાંથી અનુકંપા દેખાતી હતી.

“તને સિપાઈઓ મળશે, તો તું શું કરશે ?”

“હું ફ્રાન્સને મદદ કરીશ. ફ્રાન્સને બંધનમુક્ત કરીશ. એવુંજ નિર્મિત થયું છે કે હુંજ એ કરીશ, અને બીજું કોઈ નહિ.”

જોનના શબ્દોમાં આર્દ્રતા હતી, આત્મશ્રદ્ધા હતી અને તેની એ ઉમરાવ ઉપર ઘણીજ અસર થઈ, એ મેં પ્રત્યક્ષ જોયું. જોનનો સાદ ધીમો પડ્યો, “ હું તો ખુશીથી મારો રેંટીઓજ કાંતુ. કારણ કે આ મારું કામ નથી પણ આ તો પ્રભુની ઈચ્છા છે, અને એ ઈચ્છાને વશ મારે થવું જ જોઈએ.”

“તારો પ્રભુ કોણ ?”

“સર્વશક્તિમાન પરમેશ્વર.”

પછી મેટઝે જોનને ચુંબન કર્યું, અને તેની તાબેદારી સ્વીકારી. વળી તેણે સોગન લીધા કે, બનતાં સુધી તમને રાજાજી પાસે લઈ જવા હું મદદ કરીશ.

બીજે દિવસે એવીજ રીતે પોલન્ઝી આવ્યો અને જોનને બનતી મદદ આપવા એણે પણ વચન આપ્યું.

આજ દિવસે બધે એવી અફવા ફેલાઈ કે, સુબો જોનને તેની ગરીબ ઝૂંપડીમાં મળવા આવશે. આ અજાયબ વાત શક્ય છે કે નહિ, તે જોવા લોકોની સવારથીજ ઠઠ જામવા લાગી, અને આ અફવા સાચી પણ પડી. સુબો પોતાના રસાલા સાથે જોન પાસે આવ્યો. આ વાત બધે ફેલાઈ ગઈ, અને તેને માટે નવી નવી ચર્ચાઓ થવા લાગી. જોનનું માન આથી શ્રીમંતવર્ગમાં પણ વધ્યું.

સુબાને એક ખુલાસો કરવાનો હતો, અને તે એજ કે, જોનને