પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬
પરિશિષ્ટ

તરફથી જવું પડ્યું. જોનને તપાસવા પ્રોફેસરોનું એક મંડળ ભરાયું હતું. યુદ્ધકળાનું તો તેઓને ભાન પણ નહોતું . એવા લોકો આ વીરબાળાની વીરતા શી રીતે જાણી શકે ?

તોપણ જોનની વાણી હમેશાં મીઠી હતી. પોતે ગંભીર રહેતી, શાંત રહેતી. પોતાનીજ તપાસ ચાલતી હોય, એમ એ માનતી નહોતી; પણ કોઈ પ્રેક્ષક હોય, એવું માની મન મનાવી લેતી. અવ્યગ્ર ચિત્તે તે હંમેશાં સચોટ જવાબ આપતી. તેનું આંતરિક ઉચ્ચજ્ઞાન પોથીઓની બધી કૃત્રિમતા અને કળાઓને તોડી પાડતું. નિષ્કલંકી હૃદય ઉપર કલંક કેમ ફાવી શકે ?

તે નિખાલસ દિલે પોતાના અનુભવની – જે ફિરિસ્તાઓને તે જોતી તેનું બ્યાન કરતી. તેની રીતભાતમાં જરા પણ કૃત્રિમતા નહોતી. જ્યારે તે બોલતી ત્યારે ન્યાયાધીશ પોતાને ભૂલી જતો અને પ્રેક્ષકો પણ પોતાને ભૂલી જતા; એવો મધુર તેનો કંઠ હતો. તેની વય સત્તર વર્ષની હતી. માત્ર સત્તર, અને વળી તેને શિખામણ આપનારો કે માર્ગ દેખાડનારો કોઈ નહિ. તે કોઈ વખત બીતી નહોતી. અસંખ્ય વિદ્વાનોની વચ્ચે તે ઉભી રહેતી. પોતાના ઉત્કૃષ્ટ આત્માથી તે બધાંને છક્ક કરી નાખતી, અને તે કોઈ નિશાળમાં શીખેલી કળાથી નહિ પણ પોતાની પ્રકૃતિના માધુર્યથી તેનો કંઠ એટલો તો મધુર હતો અને તેનું વક્તૃત્વ એટલું તો અજબ હતું કે તે બધાને જાદુઈ અસર થતી; પણ આ જાદુ સેતાનનુ નહિ પણ દૈવી હતું.

તે વાંચી શકતી નહોતી. જ્યારે વિદ્વાનો તેને અઘરા સવાલો પૂછી બહુ મુંઝવતા અને હેરાન કરતા ત્યારે તે કહેતી કે “પ્રભુએ મને યુવરાજને ગાદીએ બેસાડવા નીમી છે. બીજુ હું કંઈ જાણતી નથી.”

આ દિવસો કંટાળાભરેલા હતા, પણ જોનનો ચહેરો હમેશાં પ્રફુલ્લિત રહેતો. જોનને જરા પણ વિશ્રામ મળતો નહોતો. તેના પરીક્ષકોને બધી જાતની સગવડ હતી, તોપણ જોને કોઈ વખત નહોતો કંટાળો દર્શાવ્યો કે નહોતો ક્રોધ કર્યો.

એક વખત એક વિદ્વાન તેને વિચિત્ર પ્રશ્નો પૂછવા લાગ્યો:–

“પ્રભુએ પોતાનું કામ પૂરું પાડવા તમને કેમ નીમ્યાં ? શું તેને પોતાને હાથ નથી ? તેને તમારી મદદની શી જરૂર છે ?”

કચેરીમાં ગડબડાટ શરૂ થયો; બધા જોનનો ઉત્તર સાંભળવા સચેત થયા. પહેલા વિદ્વાને ચારે તરફ નજર કરી અને લાકો