પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
મહાન સાધ્વીઓ

વખતે તેની બહેનોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તેમણે નાની બહેન ઝુબેદાને સમુદ્રમાં ફેંકી દીધી. પરંતુ મારનાર કરતાં બચાવનાર હજાર હાથનો ધણી પરમેશ્વર વધારે સમર્થ હોય છે. તેની કૃપાથી ઝુબેદા આ આફતમાંથી ઉગરી મહામહેનતે બગદાદ પહોંચી.

ત્યાં આગળ બગદાદના બાદશાહ ખલિફા હારૂન રશિદે ઝુબેદાના ગુણથી મુગ્ધ થઈને તેની સાથે લગ્ન કર્યું. ખલિફા હારૂન રશિદ જેવી રીતે ઇન્સાફ અને પ્રજાનું પાલન કરવા માટે આખી દુનિયામાં પ્રાતઃસ્મરણીય થઈ પડ્યો છે, તેવી જ રીતે તેની પત્ની દેવી ઝુબેદા દયા, સુજનતા અને પુણ્યદાનદ્વારા તથા જંગલી એકાંત પર્વતોથી ઘેરાયલા મુસલમાનોના પવિત્ર ધામ મક્કાનગરમાં એક નહેર ખોદાવીને પ્રાતમરણીય બની ગઈ છે. એ નહેર બંધાવવામાં તેણે એક કરોડ ને સાત લાખ રૂપિયા વાપર્યા હતા. ઈ. સ. ૭૮૦ - હિજરી સન ૧૫૮માં એ કામ પાર પડ્યું હતું. મક્કા શરીફની આ મોટી નહેર ‘નહેર ઝુબેદા’ એ નારીની અપૂર્વ કીર્તિ આજ સુધી કાયમ રાખી ગઈ છે. નહેરનું ઠંડું ખળખળ વહેતું પાણી સમ્રાજ્ઞી ઝુબેદાના અકલનીય સ્નેહ અને લોકદાઝનો મહિમા હજુ સુધી ગાઇ રહ્યું છે. તેના આ કીર્તિ સમુદ્રનું અગાધ જળ એજ અરબસ્તાનના નિવાસીઓને જીવનધારણાનો એકમાત્ર આધાર છે. પર્વતમાંથી મોટા મોટા પથ્થર ફોડીને એ નહેર મક્કામાં આણી હતી.

એમ કહેવાય છે કે, તબ્રીઝ શહેર પણ ઇ. સ. ૮૦૬ માં તેણેજ વસાવ્યું હતું.

બગદાદ શહેરમાં ઈ. સ. ૮૩૧ ના જુન માસમાં આ દયાળુ રાણીએ સ્વર્ગવાસ કર્યો, પણ તેની આ નહેરનું ઝરણું પૃથ્વીના લોકોના કાનમાં હજુ પણ એની કીર્તિનો પ્રચાર કરી રહ્યું છે. જગતમાં કીર્તિ વાન મનુષ્યનું મૃત્યુજ નથી. મરણ પછી લોકો જેના યશ ગાય તે મર્યા છતાં પણ જીવે છે; અને જેણે લોકહિતનાં કામ કર્યા નથી તે દેહધારી હોવા છતાં મર્યા સમાન છે. *[૧]



  1. મૌલવી શેખ અબ્દુલ જહ્‌વાર સાહેબના એક લેખ ઉપરથી.