પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ત્યાં બીભત્સ ભાષા સંભળાતી. ઉપરાંત ત્યાં કેટલીક વેશ્યાઓ હતી – એટલે કુત્સિતતાની તો વાતજ શું ?

હાયર નામનો જોનના હાથ નીચે યુદ્ધપ્રવીણ લડવૈયો હતો. તેણે પોતાની આખી જીંદગી લડાઈઓમાં અને બહારવટામાં કાઢી હતી. જાણે લોહનો અડગ સ્તંભ ઉભો હોય, એવું તેનું શરીર ભાસતું. વ્યવસ્થા રાખવાની તેની રીત અજાયબ જેવી હતી. જ્યાં તે જતો, ત્યાં પોતાનો પ્રચંડ હાથ ફેરવતો અને જેને એ હાથ લાગતો તે જમીન ઉપર બેવડો થઈ પડી જતો. સાથે સોગંદોના તો વરસાદજ વરસતા.

અમે આ સઘળી લીલા જોતા જોતા અમારી છાવણી તરફ ચાલ્યા. થોડેક છેટે ચાલ્યા કે અમે ફ્રાન્સના અધિકારી વર્ગને જોયો. જોનના હાથ નીચે આખા ફ્રાન્સમાં પંકાયેલા છ સરદાર હતા. તેઓ જ્યારે બખ્તર સજતા, ત્યારે તેઓ બહુ ભવ્ય લાગતા. એમાં ફ્રાન્સનો લૉર્ડ હાયર ઍડમીરલ તો ઘણો ફાંકડો હતો.

હાયર જોનનું સૌંદય અને સાથે સાથે તેનું શૈશવ જોઈ આશ્ચર્યચકિત થયો. જોને સરદારોને મળી લીધું, પછી હાયર સિવાય બીજા બધા ચાલ્યા ગયા. પોતાના તંબુમાં બેઠાં બેઠાં તે બન્ને લશ્કરની વ્યવસ્થા કરવા બાબત વાત કરતાં હતાં.

પહેલાં તો જોને કહ્યું કે, બધી વેશ્યાઓ નીકળી જવી જોઈએ. બીજું એ કે, સિપાઇઓની ખરાબ વર્તણુંકનો પ્રતિબંધ કરવો, અને દારૂની ચોક્કસ હદ સિવાય મના કરવી. પણ છેલ્લે તો જોને હદજ વાળી :—

“દરેક માણસ જે મારા વાવટા નીચે લડવા તૈયાર છે, તેણે પ્રાયશ્ચિત્ત કરી પાપથી મુક્ત થવું જોઇએ; તેમજ પ્રાર્થનાને વખતે દિવસમાં બે વખત હાજર રહેવું જોઈએ.”

હાયરની બધી ધીરજ ચાલી ગઈ “જહન્નમમાં ઉછરેલા એ પાપી સેતાનો પ્રાર્થના કરશે ? પહેલાં તો આપણ બન્નેને ફાંસીએ લટકાવશે.”

તેણે અનેક જાતના વાંધા ઉઠાવ્યા; સિપાઈઓની અનેક જાતની નિંદા કરી; પણ જોન તો પોતાની વાતને વળગી રહી. છેવટે હાયરે કહ્યું કે “હું બનતાં સુધી તાબે થઈશ; પણ જે કોઈ લડવૈયો મારી આજ્ઞા નહિ માને તો તેનું માથું હું ઉડાવી દઈશ.” જોને હસતાં હસતાં આ દલીલ સામે પણ વાંધો કાઢ્યો. તેણે