પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

પ્રવીણ પુરુષો ઉપર જીત મેળવ્યાથી ફૂલાઈ જાત; પણ જોન ન ફૂલાતાં તુરતજ કામે લાગી. મુખ્ય લશ્કરને રવાના થવાની તેણે ગોઠવણ કરી અને પોતે હાચરની સાથે હજાર સિપાઈઓની સરદારી લઈ ઓર્લિયન્સ તરફ પ્રયાણ કર્યું . અરે શું ત્યારનો ઓર્લિયન્સનો દેખાવ ! લોકાની ઠઠ; ઝળહળતી મશાલો; હર્ષના એટલા અવાજો; ઘંટાના અવાજો અને તોપના ધડાકા આ સઘળું હું કોઈ દિવસ ભૂલી જઈશ નહિ.

લોકોની આંખમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં. જોને ધેાળા ઘેાડા ઉપર સ્વારી કરી હતી. ધીમે ધીમે તેને માટે રસ્તો થયો. કોઈ દિવ્ય દેવીની મૂર્તિના જેવી તે જણાતી હતી. લોકો તેના પગ ચૂમતા અને જેના એ કોડ પૂરા ન થતા, તે તેના ઘોડાને અડી પોતાની આંગળીઓ ચૂમી લેતા. જોન જે જે કરતી, તે તે લોકો ખુશી થઇને જોતા અને તેને શાબાશી આપતા.

વારે ઘડીએ કાને આવા શબ્દો અથડાતા :—

“જુઓ તે કેવી હસે છે !” “કેવી ભવ્યતાથી તે સલામ ઝીલે છે !” “ઘોડા ઉપર તેને કેવું સરસ બેસતાં આવડે છે !” ‘“જુઓ, તેણે પેલી ગરીબ સ્ત્રીનાં છોકરાંને આશિષ દીધી ! અહો ! એ કેવું દિવ્ય લાગે છે !” વગેરે.

એવામાં અચાનક તેના વાવટાનો છેડો મશાલમાં જરાક દાઝ્યો.

“જોન આગથી કે કશાથી પણ બ્હીતી નથી !” ચારે તરફથી લાકોએ હર્ષનાદ કર્યા અને ધરતી ધ્રૂજી ઉઠી.

જોને લોકો સાથે પ્રભુપ્રાર્થના કરી. જ્યારે તે પાછી ફરી ત્યારે પણ હર્ષઘેલા લોકોના હર્ષનાદ એવા ને એવા હતા. તે આખી રાત્રિ લોકોએ ઉજાણી કરી ઉત્સવ પાળ્યો.

જોન હવે રંગભૂમિ ઉપર આવી હતી, પણ તેનો પાઠ તો હજી હવેજ શરૂ થવાનો હતો.

(૧૦)

જોન ગમે તે કામ માટે તૈયાર હતી, પણ જ્યાંસુધી લશ્કર આવી પહોંચે, ત્યાંસુધી તેને થોભવાની જરૂર હતી.

બીજી સવારે – ૩૦ મી એપ્રીલે – તેણે અંગ્રેજો ઉપર જે જાહેરનામું કાઢ્યું હતું, તેનો હવે તેણે ઉત્તર માગ્યો. તપાસ કરતાં જવાબ મળ્યો કે, દૂત હજીસુધી આવ્યો નથી. તેથી તેણે એક નવો કાગળ લખાવી કિલ્લાનો ઘેરો ઉઠાવી લેવા અને આગળ મોકલેલા દૂતને