પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ઉભેલા અમારા તોપચીઓને જોયા. મારી આંખો ઝાંખી થઈ, સૃષ્ટિ ચકડોળે ચઢી. મને લાગ્યું કે બીજાઓને પણ ફેર આવે છે, પરંતુ જોન અડગ હતી. તેને મન શાંતિ હતી. તેની ભાલરેખા ઉપર ચિંતાનું કે ભયનું નામ પણ નહોતું, સર્વત્ર શાંતિ હતી. એ શાંતિનો ભંગ કરનાર માત્ર અમારા ઘોડાઓની ખરીઓની ટાપ સિવાય કોઇ ન બોલતું કે ચાલતું. મને છીંક આવતી હતી, પણ છીંક ખાવાનું પણ થોડાક વખત મેં મુલતવી રાખ્યું.

કંઇ પણ સૂચનાઓ કરવાનો મને અધિકાર નહોતો; નહિ તો હું એવી સૂચના કરત કે આમ ધીમે ધીમે ચાલવા કરતાં પૂરપાટ કિલ્લાની અંદર દાખલ થઈ જવું. ગમે તેમ હોય પણ હું બ્હીતો હતો. થોડેક ચાલ્યા, એટલામાં દુશ્મનની એક મોટી તોપ બરાબર મારી સામેજ મેં ગોઠવાયેલી જોઈ. મારું ધ્યાન આવી આવી બાબતોમાં હતું, એવામાં એક ગધેડું ભૂંક્યું. હું ભડકી ઉઠ્યો અને બૂરા હવાલે મારા ઘોડા ઉપરથી નીચે પડ્યો. અંગ્રેજ લડવૈયાઓ આ જોઇને હસી પડ્યા. તુરતજ મારા સાથીઓએ મને જમીન ઉપરથી ઉભો કર્યો. ગમે એમ હોય, પણ અંગ્રેજોએ અમને જરા પણ હેરાન કર્યા નહિ. અમારે મરવું ન પડ્યું કે તેઓએ અમારા ઉપર એક ગોળી પણ ન છોડી. કેટલાક કહે છે કે, તેઓ જોનને જોઈ અંજાઈ ગયા હતા; અને તેને સેતાનની સાથી માનીને તે ડાકણની સાથે યુદ્ધ કરવું અયોગ્ય માનતા હતા. જે હોય તે ખરૂં, પણ અમે શાંતિથી કિલ્લામાં જઈ શક્યા. માર્ગમાં પ્રભુપ્રાર્થનાનું મારા ઉપર જે દેવું રહી ગયું હતું, તે પ્રાર્થના કરીને મેં વાળી દીધું.

ઇતિહાસકારો જે વાત જાણતા નથી, તે વાત હું જાણું છું. અને તે એ કે, જોને પૂલ પાસેના કિલ્લાઓને ઘેરો ઘાલવાની પહેલેથી ઈચ્છા કરી હતી. કારણ કે ત્યાં દુશ્મનો તરફથી બહુ જાપ્તો રાખવામાં આવ્યો નહોતો. બીજા સરદારો જોનની વિરુદ્ધ હતા, પણ છેવટે જોનનું ધાર્યું થયું. અમે ઓર્લિયન્સમાં વિજયના પોકાર કરતા પેઠા. થોડી વાર પછી આખું ગામ ઘોર નિદ્રામાં પડ્યું.

(૧૧)

બપોરે હું સુખશાંતિમાં બેઠો હતો, એવામાં કોઈએ આવી કહ્યું કે “ઉઠો, ઉઠો !” જોન ખુરશીમાં સૂતી હતી, તે જાગી ઉઠી ને અચાનક બૂમો પાડે છે કે “ફ્રેન્ચ લોહી રેડાય છે ! ફ્રેન્ચ લેાહી