પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
સાધ્વી ઇલિઝાબેથ

નહોતું.પરંતુ હાય ! સ્નેહમુગ્ધ પિતા હૈયાને કઠણ કરીને બાળકન્યાને તેની માતાથી વિખૂટી પાડીને અજાણ્યા લોકોમાં કેવી રીતે મોકલી શકે ? સ્નેહની પ્રતિમારૂપ એ બાલિકાએ તેના હૃદય ઉપર પુષ્કળ અધિકાર જમાવ્યો હતો. એ કન્યા વગર એનું મન સ્થિર કેવી રીતે રહી શકશે ? જે વીરનું હૃદય રણક્ષેત્રમાં શત્રુની તીક્ષ્ણ તલવાર જોઇને પણ ડગતું નહિ તે આજ કન્યાને દૂર દેશાવર મોકલવાના વિચારથી વિષાદને લીધે અધમુઓ થઈ ગયો. પરંતુ બુદ્ધિમતી રાણીએ રાજાને કહ્યું કે “આ માગું કોઈ રીતે પાછું કાઢી શકાય એવું નથી. ઈલિઝાબેથને માટે આવો વર તથા આવું ઘર ફરી ક્યાંય પણ મળનાર નથી.”

રાણીના ઘણા આગ્રહને લીધે રાજાએ પણ એ વિવાહના પ્રસ્તાવને સંમતિ આપી. એ શુભ પ્રસંગે રાજપરિવારમાં અનેક દિવસ સુધી જમણવાર અને આનંદોત્સવ થયાં. ત્યારપછી રાજાએ રત્નમણિભૂષણથી સુસજ્જિત કન્યાને સેક્સનીના એક મુખ્ય પુરુષની સન્મુખ હાજર કરીને કહ્યું કે “હું મારા જગતમાંનું સર્વોત્તમ રત્ન આજ તમારા હાથમાં અર્પણ કરૂં છું.”

એ સદ્‌ગૃહસ્થે માથું નમાવીને રાજકુમારીને ગ્રહણ કરી. તેના અને તેની સાથે આવેલાં સ્ત્રી પુરુષોનાં હૃદયમાં આનંદ ઉભરાઈ ગયો. તેઓ રાજકુમારીને લઇને પોતાના રાજ્યમાં જઈ પહોંચ્યાં.

નાની બાલિકા ઇલિઝાબેથને રાજા હારમેન અને રાણી સોફિયાની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવી. તેઓએ ઈશ્વરને ધન્યવાદ આપીને એ રાજકુમારીનો સ્વીકાર કર્યો. રાજા પ્રફુલ્લનયને બાલિકાના કરુણ અને નિર્મળ મુખકમળ તરફ જોઈને સ્થિર રહી શક્યો નહિ. તેણે બાલિકાને ખોળામાં લઈને સઘળું વાત્સલ્ય તેના પ્રત્યે દર્શાવ્યું. એક દિવસ બાદ રાજ્યના સંભાવિત ગૃહસ્થોને રાજમહેલમાં એકઠા કરીને તેમની સન્મુખ રાજકુમાર લૂઈની સાથે ઇલિઝાબેથના વાગ્દાનનો સંસ્કાર યથાવિધિ કરવામાં આવ્યો.

વૃક્ષની ડાળી ઉપરથી તોડવામાં આવેલું કુસુમ જેવી રીતે વૃક્ષના સ્નેહથી વંચિત બને છે, તેવી રીતે બાલિકા ઇલિઝાબેથ માતપિતાના સ્નેહથી વંચિત થઈ ખરી, પરંતુ રાજા હારમેનના હૃદય ઉપર તેણે ઘણો અધિકાર જમાવ્યો. ધાર્મિક રાજા દિનપ્રતિદિન રાજકુમારીની સરળતા, સ્વાભાવિક ધર્મવિશ્વાસ, ઈશ્વર પ્રતિ પ્રેમ અને દુઃખીઓ પ્રતિ દયા જોઈને તેને ઘણું ચાહવા લાગ્યો. રાજા