પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
મહાન સાધ્વીઓ

પોતે તથા તેની એક સગી પાલેન્ડની સાધ્વી રાણી, બાલિકા ઇલિઝાબેથના અંતરમાં ધર્મભાવ ખીલવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. ઇલિઝાબેથ પિતાનું રાજ્ય છોડીને આવ્યા પછી બે વર્ષે તેની માતાનું મૃત્યુ થયું. એ સાધ્વી નારીએ સ્વામીને પ્રપંચી શત્રુના હાથમાંથી બચાવવા ખાતર પોતે એ આતતાયીની તલવારનો ઘા માથા ઉપર ઝીલ્યો હતો. જનનીના મૃત્યુસમાચાર સાંભળીને બાલિકાનું મન એકદમ ઉદાસ થઈ ગયું. એ સમયથી એ ધર્મને માટે અતિશય વ્યાકુળ થઈ ઉઠી. તેણે હવે સંકલ્પ કર્યો કે, હું ઈશ્વરનેજ સૌના કરતાં અધિક ચાહીશ.

એ વખતે મોટા ઘરની સાત છોકરીઓ ઇલિઝાબેથની બહેનપણી બનીને તેની સાથે રમવાનો તથા આનંદપ્રમોદ કરવાનો પ્રયત્ન કરતી હતી; પરંતુ ઇલિઝાબેથ શું હવે એમની સાથે રમતગમત કરે એવી હતી? એ તો બધી સખીઓની સાથે ફરતી ફરતી કબ્રસ્તાનમાં જઈ પહોંચતી અને કહેતી કે “જે લેાકોના દેહ આ કબરોમાં દટાયેલા છે, તેઓ પણ કોઈ દિવસ આપણા જેવાજ હતા. આપણે પણ એક દિવસ તેમની જ પેઠે આ પૃથ્વી છોડીને ચાલ્યાં જઈશું. આવો બહેનો ! અહીં આજ ઘુંટણીએ પડીને પ્રાર્થના કરીએ.” એટલું કહીને તરતજ એ બાલિકા પ્રાર્થના કરતી કે “હે પ્રભુ ! પાપમાંથી અમારું રક્ષણ કરજે ! ”

પૂર્વકાળમાં ખ્રિસ્તી લોકો મહાત્મા ઇસુના બાર પ્રેરિત શિષ્યોમાંના એક સાધુને પોતાના જીવનના રક્ષકતરીકે માનતા હતા. ઇલિઝાબેથે પણ સાધુ જૉનને પોતાના રક્ષકતરીકે સ્વીકાર્યો હતો. એટલા માટે સાધુ જૉનની સ્વર્ગીય આત્માને પ્રિય થઈ પડવા સારૂ એ પોતાના હૃદયને પવિત્ર રાખતી, અને પોતાના અંતરને દયા તથા પ્રભુ પ્રેમથી પૂર્ણ કરવાને સર્વદા પ્રયત્ન કરતી. મહાત્મા ઈસુ કહી ગયા છે કે “દયાળુ મનુષ્યને ધન્ય છે ! કારણ કે દયાળુઓજ ઈશ્વરની દયા પામી શકશે.” ઇસુની એ વાણી મંત્રની પેઠે ઇલિઝાબેથના હૃદય ઉપર આશ્ચર્યકારક અસર કરતી અને તે દયાની મૂર્તિ બની જતી. એક દિવસ તો એ રાજ્યની રાણી થનાર હતી, પણ પોતાના ઉંચા દરજજાનો કાંઈ પણ વિચાર ન લાવતાં, તે રાજમહેલમાંથી ખાવાના પદાર્થો લઇને નિઃસંકોચપણે ગરીબોને ઘેર જતી અને ભૂખ્યાને ભોજન કરાવીને આત્મતૃપ્તિ અનુભવતી.

ઈલિઝાબેથના એ સમયના ધર્મભાવવિષે તેને એક ચરિત્રકાર,