પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
સાધ્વી ઇલિઝાબેથ

લખે છે કે “બાલ્યાવસ્થામાંજ તેણે પૂર્ણ સ્વાર્થ ત્યાગ અને ઈશ્વરપરાયણતાનાં બીજ પેાતાના ચરિત્રમાં રાખ્યાં હતાં, અને આગળ જતાં તો તેને જોવા માત્રથી મોટા મોટા માણસો અને પ્રસિદ્ધ સાધુઓ વિસ્મય પામી જતા હતા.”

ર-રાણી

ઇલિઝાબેથની વય ઘણી નાની હતી ત્યારથીજ એ જાણી શક્યાં હતાં કે, ઈશ્વર નિરંતર એમના પ્રાણની નિકટ રહીને તેમને ચાહે છે અને કરુણા વરસાવે છે. એ ઉપરાંત રાજા હારમેને ખરા હૃદયના પ્રેમથી આ પારકી કન્યાને પોતાની કરી લીધી હતી. એને લીધે બાલિકા ઈલિઝાબેથ અપરિચિત રાજપરિવારમાં આવ્યા છતાં પણ પોતાનું હસતું મુખ અને મનનો પ્રસન્ન ભાવ સાચવી શકી હતી; પરંતુ એટલામાં દૈવયોગે તેના પિતૃતુલ્ય સસરા હારમેનનુ મૃત્યુ થયું. એ બનાવને લીધે બાલિકાનું હૃદય વિષાદથી છવાઈ ગયું. એવે વખતે સ્વર્ગસ્થ રાજાની પત્ની રાણી સોફિયાએ ઇલિઝાબેથનો ભાર ગ્રહણ કર્યો. બાલિકા રાતદિવસ ‘ધર્મ ધર્મ’ કર્યા કરતી, તે એને રૂચતું નહિ. કારણકે તે થોડા દિવસ પછી એક રાજ્યની રાણી થનાર હોવાથી એણે ધર્મઘેલી ન થતાં સુચતુર, રસિક અને રત્નાલંકારથી વિભૂષિત સૌભાગ્યગર્વિતા રાજરાણી બનવું જોઈએ એ સોફિયાનો અભિલાષ હતો.

ઇલિઝાબેથ કોઇ પણ પ્રકારે રાજકુટુંબની રમણીઓના જેવી થઇ શકી નહિં. ઈશ્વરે તેને રાણી બનીને ઠાઠમાં રહેવાને આ સંસારમાં મોકલી નહોતી. એ તો એમજ માનતી કે, હું ઈશ્વરભક્તિ કરીશ, તેની પ્રીતિ અને કરુણાવડે દુઃખી નરનારીઓનાં દુઃખ દૂર કરીને તેમનાં હૃદય ઠારીશ; એવાં એવાંજ કામો સારૂ મારો જન્મ થયો છે. પરંતુ એમની સ્વાભાવિક રુચિ કયી તરફ છે તે તરફ જરા પણ ધ્યાન ન આપતાં લોકો તેમને પરાણે રાણી બનાવવાનો યત્ન કરવા લાગ્યા, પણ લોકોનો પ્રયત્ન વ્યર્થ ગયો. ઇલિઝાબેથે ઠપકો તથા અપમાન સહીને પણ ધર્મને વધારે દૃઢતાથી પકડ્યો. તેમની એ સમયની અવસ્થા વિષે રેવરંડ એલબાન બટલર સાધુઓના ચરિત્રગ્રંથમાં લખે છે કે, નિરાધાર ઇલિઝાબેથને ઘણો ત્રાસ વેઠવો પડ્યો હતો. કેમકે એ વખતે રાજકુમાર લૂઈ પણ વિદ્યાભ્યાસને માટે પરદેશમાં રહેતા હતા એટલે એવી સ્થિતિમાં એ બાલિકાના સુખ સામુ જોનાર અને