પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

 ન્યાયાધીશોને સ્ફૂરી આવ્યું કે આથી કદાચ જાદુ કરાતું હશે, અને જોનને કદાચ હાનિ પણ પહોંચાડી શકાય.

“વારૂ, બીજી વિંટી ક્યાં છે ?”

“બરગન્ડીવાળા મારી પાસેથી લઈ ગયા.”

“તને તે કયાંથી મળી હતી ?”

“મારાં માબાપે આપી હતી.”

“એ કેવી છે ?”

“સાદી – તેના ઉપર ‘ઇસુમેરી’ એવા શબ્દ કોતરેલા છે.”

લોકોએ જાણ્યું કે આથી કંઈ જાદુ ન કરી શકાય.

“સાધુઓએ અને ફિરિસ્તાઓએ તને શું કહ્યું ?”

“તેઓએ કહ્યું કે, ફ્રાન્સનો રાજા વિજયી થશે.”

“બીજું શું ?”

જોન શાંત રહી. થોડી વાર પછી નમ્રતાથી તે બોલી :—

“તેઓ મને સ્વર્ગમાં લઇ જશે.”

જો મુખ હૃદયની વાત બતાવતાં હોય, તો ઘણાઓનાં મુખ જોતાં તેઓ એમ ધારતા હતા કે, અમે ઈશ્વરના એક બંદાનો પ્રાણ લેવા પ્રયત્ન કરીએ છીએ.

“તારા ગેબી નાદોએ તું ત્રણ મહિના પહેલાં છૂટી થઈશ કે નહિ, તે વિષે કંઇ કહ્યું છે ?”

જોન આ ત્રણ મહિનાની અવધિથી આશ્ચર્ય પામી. તે બોલી :—

“હું તે કહેવા બંધાયેલી નથી. હું ક્યારે છૂટી થઈશ, એ હું જાણતી નથી. આ સભામાંથી કેટલાક મને મૃત્યુ પામેલી જોવા ઈચ્છે છે; પણ હું મરીશ તે પહેલાં તેઓ મરી જશે.”

આ ઉત્તરથી ઘણા ઘ્રૂજ્યા.

“તું કારાગૃહમાંથી ક્યારે છૂટી થઈશ, એ વિષે તારા ગેબીનાદોએ કંઇ કહ્યું છે ?”

ન્યાયાધીશે પ્રશ્ન પૂછ્યો, એ પહેલાંજ આ વાત તે પોતે જાણતો હતો.

“ત્રણ મહિના પછી મને પૂછજો – અને હું પ્રત્યુત્તર દઈશ.”

જ્યારે તેણે આ કહ્યું, ત્યારે તે કેવી સુખી દેખાતી હતી !

ત્રણ મહિના પછી પોતે છૂટી થશે – જોનનો કહેવાનો ભાવાર્થ આ હતો. મને પણ એ ભાવાર્થ સ્પષ્ટ લાગ્યો. મે મહિનાની ત્રીસમી તારીખ સુધી – છેલ્લે સુધી આ ખરૂં પડ્યું; પણ તે કેવી