પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતો. આખું મેદાન મસાલોથી ઉભરાઈ જતું હતું. આ મેદની વચ્ચે એક નાનકડો માર્ગ હતો, અને ત્યાંથી મજુરો લાકડાં અને પાટીઆં લઈ જતાં હતાં. શું થાય છે, તે અમે પૂછ્યું. ઉત્તર મળ્યો:–

“આની ચિતા ખડકાશે. તમને ખબર નથી કે કાલે પેલી ફ્રેન્ચ ડાકણને બાળી નાખવામાં આવશે ?”

અમે ચાલ્યા ગયા. ત્યાં ઉભા રહેવાની અમારામાં શક્તિ નહોતી. હજી કંઈ મદદ આવી પહોંચશે, એવું હું ધારતો હતો; પણ હું કેટલો મૂર્ખ હતો ! પણ ત્યારે મારી યુવાની હતી. યુવાન પુરુષો આશાજ રાખે છે, તેઓ શ્રદ્ધાળુજ હોય છે.

સવારે મેં જોયું તો એક મોટા ચોગાનમાં ચારે બાજુ માંચડા ઉભા કરવામાં આવ્યા હતા. મુખ્ય જગ્યાએ કોશન, તેના ન્યાયાધીશો, બીજા ધર્માધ્યક્ષો અને શહેરના બીજા મુખ્ય લોકો બિરાજમાન થયા હતા. વીસેક કદમ છેટે સીડીના આકારનો બીજો માંચડો હતો. આની ઉપર ચઢયા કે ચિતા આવતી હતી. આ ચિતા ઉપર લાકડાંના મોટો ઢગલો હતો. ચિતાની નીચે તેને પ્રગટાવનાર તથા તેના બે મદદનીશો ઉભા હતા. તેઓના પગ પાસે થોડાંક અંબાડિયાં પડ્યાં હતાં. થોડેક છેટે લાકડાંનો બીજો જથ્થો પડ્યો હતો. આપણું શરીર આટલું બધુ નાજુક, આટલું બધું કોમળ લાગે છે; પણ તેનો વિનાશ સહેલાઈથી થઈ શકતો નથી. શરીરથી પ્રાણને છૂટા કરવા એ બહુજ અઘરું છે.

ચિતાને જોઇ મારા આખા શરીરની નાડીઓ તૂટવા લાગી; તોપણ મને એમાં એટલી મોહની લાગી હતી કે વારંવાર મારી ઈચ્છા ન હોવા છતાં પણ તેની સામે હું જોતો.

માંચડા અને ચિતાની આસપાસ અંગ્રેજી લશ્કર ઉભું હતું, અને તેની પછવાડે લાખો પ્રેક્ષકોનાં મસ્તક દેખાતાં હતાં.

તોપણ ત્યાં જરાય અવાજ થતો નહોતો; જરાય હીલચાલ નહોતી-જાણે. આખી સૃષ્ટિ મૃત્યુવશ થઈ ગઈ હોય ! સૂર્યનાં કિરણો ચિતાની પાછળ ધીમે ધીમે ઉગતાં હતાં, અને મટમટતાં હતાં.

છેવટે શાંતિનો ભંગ થયેા. માથાં બે હારમાં વહેંચાઈ ગયાં અને વચ્ચે કોઈ કૂચ કરતું હોય એમ લાગ્યું. શું એ અમારા પક્ષનાં માણસો હતાં ? નહિ, એ તો કેદી અને તેનો પહેરો હતો; એ તો જોન ઑફ આર્ક હતી. અશક્ત હોવા છતાં તેને પગે ચલાવવામાં આવતી હતી. કેદમાં ભેજવાળી ઠંડી હવા હતી, અને હમણાં