પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨
પરિશિષ્ટ

છે. પ્રભુએ મનુષ્યની બનાવટ કેવી કરી છે ! સુખનાં બધાં સંભારણાં ચાલ્યાં જાય છે અને દુ:ખનાં સંભારણાં કાયમ રહે છે.

ધીમે ધીમે અવાજો વધ્યા. જાણે દુનિયા જ તેથી ભરી હોયને ! મે તપાસ કરી. વાત સાચી હતી. જોન વળી પાછી ફરી ગઈ હતી. તેણે પહેરેલો સ્ત્રીનો પોશાક પડતો મૂકી પાછા પુરુષનો પોશાક પહેર્યો હતો.

જોને કોઈ ઉપર આરોપ ન મૂક્યો. આરોપ મૂકવાનો તેનો સ્વભાવજ નહોતો. જોનને ખબર હતી કે, આ સઘળા છળકપટનો કર્તા કોશનજ છે. જોને પુરુષનો પોશાક પાછો રાજીખુશીથી પહેર્યો નહોતો. જોન જ્યારે રાત્રે ઊંઘી ગઈ હતી, ત્યારે તેના એક પહેરેગીરે તેનો સ્ત્રીનો પહેરવેશ ચોરી લઈ તેને બદલે પુરુષનો પહેરવેશ કોશનની શીખવણીથી મૂકી દીધો હતો. જ્યારે તે જાગી, ત્યારે પોતાનાં અસલ વસ્ત્રની માગણી કરી, પણ તેને તે આપવામાં આવ્યાં જ નહિ. પછી આ પહેર્યા વગર છૂટકોજ નહોતો.

જોનને લાગ્યું કે, હું આવા જુલમ અને પ્રપંચ સામે ટકી શકીશ નહિ; અને તેથીજ તેણે તે પોશાક પહેર્યો હતો. તે હવે જીંદગીથી કંટાળી ગઈ હતી.

કોશનને પૂરો વિજય મળ્યો. જોનને નિરાધાર સ્થિતિમાં જોઈને આ રાક્ષસ આનંદના ઘુંટડા ભરતો હતો.

એક ન્યાયાધીશે જોનને પૂછયું:–

“પાછાં વસ્ત્ર તેં શું કામ બદલ્યાં ?”

જોને શાંતિથી કહ્યું:–

“વસ્ત્ર ન બદલવા મેં સોગંદ ખાધા હોય, એમ મને સાંભરતું નથી; અને ખાધા હોય તો મારી એવી ઈચ્છા નહોતી. પણ મને તેમ કરવાનો અધિકાર છે, કારણ કે મને જે વચન અપાયાં છે તે પળાયાં નથી.”

“એ ગમે તેમ હોય, પણ તેં પુરુષનો પોશાક ત્યજી દેવા વચન આપ્યું છે.”

જોને તે ક્રૂર પુરુષ તરફ જોઈ કહ્યું:– “આ કરતાં તો મરવું ભલું. મેં કદાચ કંઇ કબૂલ કર્યું હોય તો તે અગ્નિના ભયથી કબૂલ કર્યું હશે.”

જોન હવે શુદ્ધિમાં હતી, હજી તે થાકી નહોતી. તેની હિંમત અને સત્યનિષ્ઠા પુનઃ પ્રકટી નીકળ્યાં હતાં. તે હવે નિર્ભયતાથી