પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક

“બીશપ ! તમારા પ્રપંચને લીધેજ હું મરું છું;–”

કોશને તે હસી કાઢ્યું.

“અને આ અન્યાય માટે હું તમને પરમેશ્વર આગળ જવાબદાર ગણું !”

કોશનને આ વાક્ય પસંદ ન આવ્યાં, તે મોં ફેરવી ડંખતાદિલે શોકમાં ચાલ્યો ગયો.

જોન થોડીક વાર વિચાર કરતી ઉભી રહી. પછી તે શાન્ત પડી આંખો લૂછવા લાગી. રોવાને બદલે હવે તે ડૂસકાંજ ભરતી હતી. ધીમે ધીમે તેનું હૃદય શાન્ત પડ્યું. પાદરી સામે જોઇ તે બોલીઃ–

“આજે રાત્રે હું ક્યાં હોઈશ ?””

“તમને પરમેશ્વરમાં શ્રદ્ધા નથી ?”

“હા છે; તેની કૃપાથી હું સ્વર્ગમાં બિરાજીશ.”

પછી જોનને પાઠપૂજાની વિધિ કરાવવામાં આવી.

હવે જોનના હૃદયમાંથી બળી મરવાનો ભય જતો રહ્યો. ફરીથી અંતકાળ સુધી તે ભય દેખાયોજ નહિ. માત્ર એક પળ સિવાય અને તે પળ પણ વહી ગઈ.

જોન હવે દૃઢ હતી.

નવ વાગે ફ્રાન્સને સ્વતંત્ર કરનાર, ઓર્લિયન્સની નિર્દોષ યુવાન કુમારિકા, પોતાના સ્વદેશ માટે પોતાની જીંદગીની આહુતિ આપવા ચાલી. તેને ગુન્હેગારની ગાડીમાં બેસાડવામાં આવી.

જોને સફેદ જભ્ભો પહેર્યો હતો. સાધુના જેવી તે પવિત્ર લાગતી હતી. તેનું વદન ઘણું જ સુંદર અને કાંતિમાન હતું. કેદખાનામાંથી તેને બહાર લાવવામાં આવી કે તેના ગાલોને ભગવાન સૂર્યનારાયણના તેજે રંગી દીધા. લોકો તેના લાલિત્યથી છક થઇ પગે લાગવા લાગ્યા. તે ગેબી સ્વપ્નામાં છે, એવું તેઓને લાગ્યું. સ્ત્રીઓ રડતી હતી. સૌ જોન માટે પ્રાર્થના કરતાં હતાં. આ પ્રાર્થનાથી જોનને દિલાસો મળવા લાગ્યો.

“પરમેશ્વર ! એના ઉપર દયા કરો !” ગંભીર અવાજ ઉઠ્યો. આ સાચુંજ છે. એક ઇતિહાસકાર લખે છે કે:–

“જે લોકો ગરીબ હતાં, તેઓની પાસે જોનને આપવા પ્રાર્થના સિવાય બીજું કંઈ પણ હતું નહિ; પણ આ પ્રાર્થના નિરર્થક નહોતી. લોકો રડતાં હતાં. મીણબત્તીઓ સળગાવી પગે લાગી તેઓ પ્રાર્થના કરતાં હતાં. આ લોકોની બે હાર વરચે જોન ચાલી