પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
સાધ્વી ઈલિઝાબેથ

ઇસુની આ બે આજ્ઞાનું પાલન કરવા માટે ઇલિઝાબેથનું ચિત્ત અધીરૂં થઇ ગયું. ઈશ્વરપ્રત્યે પોતાનો સમસ્ત પ્રેમ ઢોળી દઈ તેઓ પ્રેમ પામવા ખાતર, એમણે ઉપાસના અને પ્રાર્થનામય જીવન બનાવ્યું. રાત્રે એમના પતિ પથારીમાં પડતાં વારજ ઉંઘી જતા, પણ ઇલિઝાબેથની આંખોમાં ઉંઘ ક્યાંથી હોય ? એ તો ઈશ્વરના ધ્યાનમાં મગ્ન થઈ જતાં. એ ભક્તિમતી નારીએ ધર્મની ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરવા સારૂ ખ્રિસ્તી ધર્મના કઠોર નિયમો નિષ્ઠાપૂર્વક પાળવા માંડ્યા હતા. એ નિયમો પાળવા જતાં કોઈ પણ જાતના કષ્ટને એ કષ્ટ ગણતાં નહિ. રેવરંડ એલ્બાન બટલર લખે છે કે “એમનું દેહદમન સંન્યાસીઓની તપસ્યા કરતાં પણ વધારે કઠોર હતુ. એ રાજમહેલમાં અતિથિઓની સાથે સ્વામીની પડખે જમવા બેસતાં. બીજા બધાં સર્વ પ્રકારનાં ઉત્તમ ભોજન જમતાં, પણ ઇલિઝાબેથ માંસ ખાતાં નહિ. કોઈ પણ સ્વાદિષ્ટ વાની જમતાં નહિં; ફક્ત રોટલી અને થોડું મધ ખાતાં. સ્વામીને તથા અતિથિઓને ભોજનસમયે એવી મીઠી વાતોમાં ગુંથાયલાં રાખતાં કે, પાતે કોઈ પણ જાતની સ્વાદિષ્ટ વાનીઓ જમતાં નથી, એ વાત તેઓના જાણવામાંજ આવે નહિ. ઇલિઝાબેથ માત્ર સ્વામીના આગ્રહને લીધેજ બેએક દિવસ રાણીનો પોષાક પહેરતાં; બાકી હંમેશાં સાધારણ સાદો પોષાકજ તેમના અંગ ઉપર શોભી રહેતો. એ સાધ્વી નારીની પવિત્ર સ્મૃતિ દિવ્ય પ્રકાશથી ઝળકી રહેતી, એટલે એવા સામાન્ય પોષાકમાં પણ એ અસાધારણ રમણી જણાતાં હતાં.” ‘ઇલિઝાબેથ’ નામક ગ્રંથના પાંચમા પ્રકરણમાં એક સ્થળે ગ્રંથકારે લખ્યું છે કે :–

“એ વખતમાં ઇલિઝાબેથનું હૃદય પ્રેમથી ભરપૂર થયું હતું. હૃદયનો એ પ્રેમ ઇલિઝાબેથે તરતજ ઈશ્વરને અર્પણ કર્યો. બાલ્યાવસ્થાનો તેમનો રાંક સ્વભાવ દિનપરદિન વધારે રાંક થવા લાગ્યો. એ બધાં ઉપર વગર સંકોચે પ્રેમ કરતાં, પરંતુ તેમનો સૌથી પહેલો પ્રેમ ઈશ્વર ઉપરજ હતો, ઈશ્વર ઉપર તેમને બાળકની પેઠે સરળ વિશ્વાસ હતો. વળી એ ધર્મમંડળીના બધા ઉપદેશો અને આજ્ઞાઓનું પાલન જરા પણ આનાકાની વગર કરતાં. × × દેવળનો ઘંટ વાગતાં વારજ ઇલિઝાબેથ આનંદપૂર્વક દેવળમાં પહોંચી જતાં અને ભક્તિભાવે પવિત્ર ચિત્તથી પ્રભુનું ભજન કરતાં. પર્વને દિવસે, ખાસ કરીને ઈસુખ્રિસ્તે દુઃખ ભોગવ્યું હતું તે અઠવાડીઆમાં,